જબ પ્યાર કિયા તો ડરના ક્યા! ફરમાન અને મોનાલિસાની રોમેન્ટિક કેમેસ્ટ્રી, નવી દુલ્હનને તેડીને પતિએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન
પ્રયાગરાજ મહાકુંભ 2025માં માળા વેચતી તસવીરોથી રાતોરાત સ્ટાર બનેલી મોનાલિસા હાલમાં તેના લગ્નજીવનને માણી રહી છે. પરિવારના વિરોધ છતાં એક્ટર ફરમાન ખાન સાથે લગ્ન કર્યા બાદ મોનાલિસા અત્યંત ખુશ હોવાનું જણાય છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ સાથે 'હેપ્પી સ્પેસ'માં જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં મોનાલિસા એક સુંદર પાર્ક જેવા લોકેશન પર જોવા મળે છે. વીડિયોમાં મોનાલિસા દુપટ્ટો લહેરાવતી મસ્તીના મૂડમાં છે, ત્યારે જ પાછળથી તેનો પતિ ફરમાન ખાન આવે છે અને નવી-નવેલી દુલ્હન મોનાલિસાને વ્હાલથી તેડીને ગોળ-ગોળ ફેરવે છે.
આ રોમેન્ટિક કેમેસ્ટ્રી જોઈને ફેન્સ પણ ખુશ થયા છે. મોનાલિસા અને ફરમાનના લગ્ન બાદ સતત વિવાદો અને ધમકીઓનો સિલસિલો ચાલી રહ્યો છે. જોકે, આ નવા વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે મોનાલિસા પર કોઈપણ પ્રકારની ધમકીની કોઈ અસર થઈ નથી. તે પોતાની મરજીથી અને પૂરી નીડરતાથી પોતાના લગ્નજીવનનો આનંદ ઉઠાવી રહી છે. મોનાલિસાએ અગાઉ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો અને સમાજના કેટલાક લોકો ફરમાન સાથેના તેના સંબંધોની વિરુદ્ધમાં છે. તેઓ આ જોડાણને તોડવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે.
હિન્દુ રીતિરિવાજ મુજબ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ મોનાલિસા પર 'લવ જેહાદ'ના આરોપો પણ લાગ્યા હતા. ડિરેક્ટર સનોજ મિશ્રાએ પણ આ બાબતે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, મોનાલિસાએ આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે, આ કોઈ લવ જેહાદ નથી પરંતુ સાચો પ્રેમ છે અને તેઓ બંને એકબીજા સાથે રહેવા માંગે છે. મોનાલિસા માત્ર લગ્નને કારણે જ નહીં, પરંતુ પોતાની ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ના ડિરેક્ટર સનોજ મિશ્રા પર લગાવેલા આરોપોને કારણે પણ ચર્ચામાં છે. તેણે ડિરેક્ટર પર માનસિક ઉત્પીડન અને ખોટી રીતે સ્પર્શ કરવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેનાથી મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે.
મોનાલિસાની સફર પ્રયાગરાજના મહાકુંભથી શરૂ થઈ હતી, જ્યાં તેની સાદગી જોઈને લોકો તેના દીવાના બની ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી મોનાલિસા સતત વિવાદો અને ચર્ચાઓના કેન્દ્રમાં રહી છે. હવે તે સક્રિયપણે સોશિયલ મીડિયા પર પોતાની જિંદગીની પળેપળની અપડેટ ફેન્સ સાથે શેર કરી રહી છે.