બાળક પેદા કરવાથી ફિગર ખરાબ થઈ જશે? ટ્રોલ્સના નિશાને મોનાલિસા
ભોજપુરી અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી મોનાલિસાએ તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ અને માતૃત્વના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે. 43 વર્ષની વયે હજુ પણ સંતાન સુખ ન મળવા બદલ થતી ટીકાઓ અને "ફિગર ખરાબ થઈ જશે" તેવી અફવાઓ પર અભિનેત્રીએ પૂર્ણવિરામ મૂક્યું છે. અભિનેત્રી મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતના લગ્નને નવ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી.
તાજેતરમાં પારસ છાબડાના પોડકાસ્ટમાં મોનાલિસાએ સ્વીકાર્યું હતું કે, આ વિષય તેના માટે અત્યંત ભાવનાત્મક છે. સમાજ અને સોશિયલ મીડિયા પર અવારનવાર તેની પ્રેગ્નન્સીને લઈને સવાલો ઉઠતા રહે છે, જેનો તેણે હવે વિગતવાર જવાબ આપ્યો છે. મોનાલિસાએ તે અફવાઓનું સખત શબ્દોમાં ખંડન કર્યું જેમાં કહેવામાં આવતું હતું કે તે એક અભિનેત્રી હોવાથી પોતાના ફિગરને જાળવી રાખવા માટે બાળક પેદા કરવા માંગતી નથી. તેણે સ્પષ્ટ કર્યું કે, "લોકો એવું વિચારે છે કે મને મારું ફિગર બગડવાનો ડર છે, પણ હકીકત એ નથી. હું પોતે મા બનવા ઈચ્છું છું અને છેલ્લા ચાર વર્ષથી સતત ગર્ભધારણ કરવા માટે સખત પ્રયાસ કરી રહી છું."
પોતાની મેડિકલ સ્થિતિ વિશે વાત કરતા મોનાલિસાએ જણાવ્યું કે, તે હાલમાં ખૂબ જ ગંભીર અને તીવ્ર સારવાર હેઠળ છે. તેણે ખુલાસો કર્યો કે તે સતત ડોક્ટરોના સંપર્કમાં છે અને અનેક પ્રકારની દવાઓ તથા ઇન્જેક્શન લઈ રહી છે. આ હેવી મેડિકેશનને કારણે જ તેના શરીરમાં ફેરફાર આવ્યા છે અને તે પહેલા કરતા થોડી 'ભારે' એટલે કે વજનદાર દેખાઈ રહી છે. અભિનેત્રીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, લોકો તેની આંતરિક પીડા અને શારીરિક સમસ્યાઓને સમજી શકતા નથી અને માત્ર બહારથી જ જજ કરે છે.
પરિવાર અને સાસરિયાઓ તરફથી પણ પૌત્ર-પૌત્રી માટે દબાણ રહેતું હોય છે, જે એક સ્ત્રી તરીકે તેના માટે માનસિક રીતે તણાવપૂર્ણ છે. અત્યાર સુધી તેણે અનેક નિષ્ણાત ડોક્ટરો બદલ્યા છે અને હજુ પણ તે આશા છોડી નથી.મોનાલિસાએ અત્યંત સકારાત્મક અભિગમ સાથે જણાવ્યું કે તે હવે બધું ભગવાન પર છોડી દીધું છે. તેણે કહ્યું કે, "બાળકનો જન્મ ત્યારે જ થશે જ્યારે ઈશ્વરની ઈચ્છા હશે, અમે અત્યારે માત્ર આશા પર જીવી રહ્યા છીએ." પોડકાસ્ટના હોસ્ટ પારસ છાબડાએ પણ તેને હિંમત આપી હતી અને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ તેના ઘરે પારણું બંધાશે.