લગ્ન પહેલાં 'ઝીરો ફિગર'નો ચસકો: મહાનગરોમાં 'મૌંજારો દુલ્હન'નો ટ્રેન્ડ બન્યો ચિંતાનો વિષય
ભારતીય લગ્નોમાં અત્યાર સુધી પ્રી-વેડિંગ શૂટ અને ડિઝાઈનર લહેંગાનો ક્રેઝ જોવા મળતો હતો, પરંતુ હવે એક નવો અને અત્યંત જોખમી ટ્રેન્ડ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને મેડિકલ જગત 'મૌંજારો બ્રાઈડ્સ' તરીકે ઓળખી રહ્યું છે. લગ્નના દિવસે પાતળી કમર અને 'પરફેક્ટ' ફિગર મેળવવાની ઘેલછામાં યુવતીઓ હવે જીમ કે ડાયટને બદલે ડાયાબિટીસની મોંઘી દવાઓ અને વજન ઘટાડવાના ઇન્જેક્શનનો શોર્ટકટ અપનાવી રહી છે. લગ્ન પહેલાં માત્ર થોડા અઠવાડિયામાં 10 કિલો જેટલું વજન ઘટાડવા માટે લેવામાં આવતા આ ઇન્જેક્શન સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે.
ભારતમાં લગ્ન એટલે માત્ર ધામધૂમ અને પરંપરા જ નહીં, પણ હવે તે 'પરફેક્ટ દેખાવાની' હોડ બની ગઈ છે. આ સ્પર્ધામાં જીતવા માટે આજકાલની દુલ્હનો 'મૌંજારો' નામના વજન ઘટાડવાના ઇન્જેક્શનનો સહારો લઈ રહી છે. લગ્ન પહેલાં ઝડપથી વજન ઘટાડવાનો આ શોર્ટકટ એટલો લોકપ્રિય થયો છે કે મેડિકલ અને વેડિંગ માર્કેટમાં હવે 'મૌંજારો દુલ્હન' જેવો નવો અને ચિંતાજનક શબ્દ પ્રચલિત થયો છે. ખાસ કરીને મહાનગરોમાં લગ્નના દિવસે 'ઝીરો ફિગર' અથવા પાતળી કમર દેખાડવાનું સામાજિક દબાણ યુવતીઓ પર વધી રહ્યું છે.
લગ્નના આયોજન અને ખરીદીમાં વ્યસ્ત હોવાને કારણે જીમ કે ડાયટ માટે સમય મળતો નથી. પરિણામે, 10 કિલોગ્રામ સુધીનું વજન ઝડપથી ઘટાડવા માટે આ મોંઘા ઇન્જેક્શન યુવતીઓને એક આકર્ષક અને સરળ વિકલ્પ લાગે છે, જે વાસ્તવમાં સ્વાસ્થ્ય સાથે ખતરનાક રમત છે.આ ઇન્જેક્શનની કિંમત ઘણી વધારે છે, મૌંજારોના એક મહિનાના કોર્સનો ખર્ચ ₹13,000 થી ₹26,000 સુધી પહોંચી શકે છે.
શું છે આ 'મૌંજારો' દવા?
'મૌંજારો' એ મૂળભૂત રીતે અમેરિકન કંપનીની દવા છે જે ડાયાબિટીસ અને અતિશય મેદસ્વીપણાની સારવાર માટે બનાવવામાં આવી છે. આ દવા શરીરમાં જઈને પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને ભૂખને દબાવી દે છે. જેના કારણે વ્યક્તિને લાંબો સમય સુધી ખાવાની ઈચ્છા થતી નથી અને વજન ઉતરવા લાગે છે. ભારતીય બજારમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની દવાઓનું વેચાણ બમણું થઈ ગયું છે.