43 વર્ષના સ્ટાર અભિનેતાનું ડૂબવાથી મોત, 'ભોલેબાબા પાર કરેગા'ની શૂટિંગ દરમિયાન દુર્ઘટના
બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા 43 વર્ષીય અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી આકસ્મિક નિધન થયું છે. આ ઘટના પૂર્વ મેદનીપુર જિલ્લાના દીઘા પાસે આવેલા તલસારી દરિયાકિનારે બની હતી, જ્યાં તેઓ તેમની આગામી સિરિયલના શૂટિંગ માટે ગયા હતા. બેનર્જી હાલમાં 'ભોલે બાબા પાર કરેગા' નામની લોકપ્રિય સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા. અહેવાલો અનુસાર, શૂટિંગ પૂર્ણ થયા બાદ રાહુલ તેમની સહ-અભિનેત્રી સાથે દરિયાકિનારે ટહેલવા ગયા હતા. આ દરમિયાન અચાનક દરિયાના જોરદાર મોજાની લપેટમાં આવતા તેઓ ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.
યુનિટના સભ્યો અને ટેકનિશિયનોએ તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ફેડરેશન વતી દિગંત બાગચીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, રાહુલને જ્યારે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ મોત ડૂબવાને કારણે થયું હોય તેમ લાગે છે, જોકે હાર્ટ એટેકની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સચોટ કારણ જાણી શકાશે, અભિનેતાના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાહુલ અરુણોદય બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. તેમણે ઝી બાંગ્લાની સીરિયલ 'ખેલ' દ્વારા મોટી ઓળખ મેળવી હતી. રાજ ચક્રવર્તીની સુપરહિટ ફિલ્મ 'ચિરદિની તુમી જે આમાર' થી તેમણે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ અને તેના ગીતોએ તેમને બંગાળના ઘરે-ઘરે જાણીતા બનાવ્યા હતા. તાજેતરમાં તેઓ 'સહજ કથા' પોડકાસ્ટ દ્વારા પણ પ્રેક્ષકો સાથે જોડાયેલા હતા.