60 વર્ષ સુધી રમવાની તાકાત છે....IPLમાં નિવૃત્તિના સવાલ પર ધોનીએ ટીકાકારોનું મોઢું બંધ કરી દીધું!
IPLની 19મી સીઝન શરૂ થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ આયોજિત એક ભવ્ય ફેન ઇવેન્ટમાં પૂર્વ સુકાની એમ.એસ. ધોનીએ પોતાની નિવૃત્તિને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મુકતા લાક્ષણિક અંદાજમાં વળતો પ્રહાર કર્યો છે. 44 વર્ષીય ધોનીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, તે 60 વર્ષની ઉંમર સુધી IPL રમી શકે છે, જેનાથી સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો.
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રવિવારે યોજાયેલી ઇવેન્ટમાં જ્યારે અભિનેતા શિવકાર્તિકેયને ધોનીને નિવૃત્તિની વાતો અવગણી લાંબો સમય રમવા વિનંતી કરી, ત્યારે 'થાલા'એ હસતા હસતા જવાબ આપ્યો હતો કે, "તે મુશ્કેલ હશે, પરંતુ હું પ્રયાસ કરી શકું છું." ધોનીના આ નિવેદન બાદ આખું સ્ટેડિયમ 'ધોની-ધોની'ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. IPL 2026માં ધોની પોતાની 19મી સીઝન રમવા જઈ રહ્યો છે. જોકે, CSKના CEO કાશી વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે ધોની આખી સીઝન રમશે, પરંતુ તેની ભૂમિકામાં ફેરફાર હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ધોની 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે નીચલા ક્રમે બેટિંગ કરી રહ્યો છે.
આ વખતે ટીમમાં સંજુ સેમસન જેવા ખેલાડીઓના આગમનથી વિકેટકીપિંગની જવાબદારીઓ વહેંચાઈ શકે છે, પરંતુ મેદાન પર ધોનીની હાજરી અને અનુભવ ટીમ માટે અનિવાર્ય રહેશે. IPL ઇતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાંના એક એવા ધોનીએ અત્યાર સુધીમાં 278 મેચમાં 5439 રન બનાવ્યા છે અને પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈને 5 વખત ચેમ્પિયન બનાવ્યું છે. IPL 2026 એ ધોનીની વિદાય સીઝન હશે કે નવી શરૂઆત, તે તો સમય જ કહેશે, પરંતુ હાલમાં તો તેના આ નિવેદને ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છેડી દીધી છે.