April 4, 2026
રાજનીતિ

મુન્દ્રામાં રાજકારણ ગરમાયું: 28 બેઠક માટે 123 દાવેદારો મેદાને, ત્રિપાંખિયો જંગ નિશ્ચિત

02:22:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">મુન્દ્રામાં રાજકારણ ગરમાયું: </span>28 બેઠક માટે 123 દાવેદારો મેદાને, ત્રિપાંખિયો જંગ નિશ્ચિત</p>

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કચ્છના મુંદરા શહેર અને તાલુકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. મુંદરા-બારોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બની છે. ભાજપમાં ટિકિટ મેળવવા માટે ભારે પડાપડી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગ માટે સજ્જ થઈ ગયા છે, જેથી આ વખતે ત્રિપાંખિયો મુકાબલો થવાની પૂરી શક્યતા છે.

મુંદરા-બારોઈ નગરપાલિકા: 28 બેઠકો માટે ભાજપમાં 123 ફોર્મ ભરાયા 

તાજેતરમાં અંજાર ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં ભાજપ દ્વારા ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મુંદરા-બારોઈ નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે આશરે 123 લોકોએ ફોર્મ ભરીને પોતાની દાવેદારી નોંધાવી છે, જેને સ્થાનિક નેતાઓએ પણ સત્તાવાર સમર્થન આપ્યું છે. નગરપાલિકાની રચના બાદ આ માત્ર બીજી જ ચૂંટણી છે. એક તરફ વર્તમાન નગરસેવકો ફરીથી મેદાનમાં ઉતરવા તૈયાર છે, તો બીજી તરફ નવી રોટેશન સિસ્ટમ અને બદલાયેલા સામાજિક-રાજકીય સમીકરણો જૂના ચહેરાઓ માટે પડકારરૂપ બની રહ્યા છે. 

કોંગ્રેસ અને AAP ની તૈયારીઓથી જામશે ત્રિપાંખિયો જંગ 

ભાજપ ઉપરાંત અન્ય પક્ષો પણ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ પોતાની સેન્સ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની કવાયત કરી રહ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ શરૂઆત કરતા મુંદરા નગરપાલિકા માટે 7 ઉમેદવારોની પહેલેથી જ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોને ટેકો આપવાની AAP ની વ્યૂહરચના હોવાની પણ ચર્ચા છે.

તાલુકા અને જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયા પૂર્ણ 

નગરપાલિકાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાજકીય ગતિવિધિઓનો ધમધમાટ છે. અંજારમાં મુંદરા તાલુકા પંચાયતની 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ દાવેદારોની સેન્સ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પક્ષો દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થયા બાદ જ મુંદરા શહેર અને તાલુકાનું રાજકીય ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.