April 4, 2026
ક્રાઈમ

ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી, અમદાવાદમાં રાણિપના HR ઓફિસર પાસેથી 12 લાખ પડાવ્યા!

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ફિનલેન્ડમાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી,</strong></span> અમદાવાદમાં રાણિપના HR ઓફિસર પાસેથી 12 લાખ પડાવ્યા!</p>

અમદાવાદ શહેરમાં વિદેશ જવાની ઘેલછામાં વધુ એક શિક્ષિત યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. રાણિપ વિસ્તારમાં રહેતા અને સાણંદની કંપનીમાં એચ.આર. ઓફિસર તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય મિલન બારોટ સાથે 12 લાખ રૂપિયાની ઠગાઈની ઘટના સામે આવી છે. આરોપી નૈમેષ શાહ અને રોહિત શર્માએ મિલનભાઈને ફિનલેન્ડમાં હોટલ ક્ષેત્રે આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. બોગસ ઓફર લેટર અને નકલી રેસિડન્સ પરમિટ કાર્ડ બતાવી આરોપીઓએ કટકે-કટકે 12 લાખ રૂપિયા પડાવ્યા હતા.

આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાણિપમાં રહેતા મિલન બારોટ વિદેશમાં સારી કારકિર્દી બનાવવા ઈચ્છતા હતા. વર્ષ 2024માં એક સાથી કર્મચારી મારફતે તેઓ ઉસ્માનપુરા ખાતે ઓફિસ ધરાવતા ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ નૈમેષ શાહના સંપર્કમાં આવ્યા હતા. નૈમેષે તેમને ફિનલેન્ડમાં હોટલ લાઈનમાં મોટી સેલેરી સાથે નોકરી અપાવવાનો ભરોસો આપ્યો હતો, જેનાથી મિલનભાઈ આકર્ષાયા હતા.  વિશ્વાસ જીતવા માટે આરોપી નૈમેષ શાહે મિલનભાઈ પાસેથી તેમના ઓરિજિનલ પાસપોર્ટ અને શૈક્ષણિક દસ્તાવેજો મેળવ્યા હતા.

એટલું જ નહીં, સિક્યોરિટીના નામે તેમની પાસેથી સહી કરેલો કોરો ચેક પણ પડાવી લીધો હતો. આ પ્રક્રિયાને કારણે ભોગ બનનારને લાગ્યું કે બધું જ કાયદેસરની રીતે થઈ રહ્યું છે. થોડા સમય બાદ, આરોપીઓએ મિલનભાઈને વોટ્સએપ પર ફિનલેન્ડનો ઓફર લેટર અને રેસિડન્સ પરમિટ કાર્ડ મોકલ્યા હતા. આ દસ્તાવેજો જોઈને મિલનભાઈને ખાતરી થઈ ગઈ કે તેમની પ્રોસેસ સફળ થઈ છે. જોકે, પાછળથી આ તમામ દસ્તાવેજો એડિટ કરેલા અને બોગસ હોવાનું બહાર આવ્યું હતું. લાંબો સમય રાહ જોયા બાદ કોઈ હિલચાલ ન જણાતા મિલનભાઈએ સીધો ફિનલેન્ડની એમ્બેસીનો સંપર્ક કર્યો હતો.

એમ્બેસી દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને અપાયેલા દસ્તાવેજો અને વિઝા કાર્ડ સંપૂર્ણપણે નકલી હતા. છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે પૈસા પરત માંગ્યા, પણ આરોપીઓએ માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરત કરી હાથ ઊંચા કરી દીધા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં નૈમેષ શાહ અને રોહિત શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરીને બેન્ક ટ્રાન્ઝેક્શનની વિગતો તપાસવી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય અનેક યુવાનોને પણ વિદેશ મોકલવાના બહાને શિકાર બનાવ્યા હોઈ શકે છે.