ગુજરાતમાં નાયરા એનર્જીની રિફાઇનરી 35 દિવસ માટે બંધ થશે ! : પેટ્રોલ-ડીઝલના પુરવઠા પર સંકટની આશંકા
વૈશ્વિક સ્તરે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં પહેલેથી જ અસ્થિરતા જોવા મળી રહી છે. આવી નાજુક સ્થિતિમાં ભારતના સ્થાનિક ઈંધણ બજાર માટે વધુ એક પડકારજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આવેલી દેશની અગ્રણી ખાનગી રિફાઇનરીના કામચલાઉ શટડાઉનને કારણે આગામી દિવસોમાં ઈંધણના સપ્લાય ચેઈન પર દબાણ વધવાની શક્યતા સેવાઈ રહી છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકો અને પેટ્રોલ પંપ સંચાલકો પર પડી શકે છે.
નાયરા એનર્જીનું શટડાઉન અને તેની ક્ષમતા
ગુજરાતના વાડિનાર સ્થિત દેશની બીજી સૌથી મોટી ખાનગી રિફાઇનરી, Nayara Energy (નાયરા એનર્જી), તેના પ્લાન્ટને આગામી 35 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ શટડાઉન રિફાઇનરીના નિયમિત મેન્ટેનન્સ (જાળવણી) માટે લેવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વાર્ષિક 2 કરોડ ટન કાચું તેલ સાફ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાનો અંદાજે 8% હિસ્સો છે.
માર્ચના અંતથી એપ્રિલ સુધી ચાલનારા આ શટડાઉનને કારણે બજારમાં પેટ્રોલ અને ડીઝલના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો આવવાની ભીતિ છે. નોંધનીય છે કે નાયરા એનર્જી દેશભરમાં તેના અંદાજે 7,000 જેટલા પેટ્રોલ પંપોના નેટવર્ક દ્વારા ઈંધણ પૂરું પાડે છે, જેમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેની પકડ ઘણી મજબૂત છે.
સપ્લાય ચેઈન અને સરકારી કંપનીઓ પર દબાણ
જો નાયરાના પંપો પર પુરવઠો ખોરવાશે, તો ગ્રાહકોનો તમામ બોજ સરકારી તેલ કંપનીઓ જેવી કે IOCL, BPCL અને HPCL પર આવી શકે છે. અચાનક વધતી ભીડને કારણે સરકારી પંપો પર સ્ટોક જલ્દી ખાલી થવાની કે લોજિસ્ટિક્સની સમસ્યાઓ સર્જાઈ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો છે કે તેમની પાસે હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ લાંબા ગાળાના શટડાઉન અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘા થતા ક્રૂડ ઓઈલને જોતા સ્થિતિ ગંભીર બની શકે છે.
ખાસ કરીને રશિયા-યુક્રેન અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સપ્લાય ચેઈન પહેલેથી જ પ્રભાવિત છે. જો ખાનગી કંપનીઓને બહારથી મોંઘું તેલ ખરીદીને સ્થાનિક બજારમાં સસ્તા દરે વેચવું પડે, તો તે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો પ્રોપર મેનેજમેન્ટ નહીં થાય તો 'પેનિક બાઇંગ' (ગભરાટમાં ખરીદી) વધવાને કારણે ઈંધણની કૃત્રિમ અછત જેવી સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.