April 1, 2026
ભારત

PM મોદીએ રચ્યો ઇતિહાસ; પવન ચામલિંગનો રેકોર્ડ તોડી બન્યા ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા... 

01:58:00 PM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>PM મોદીએ રચ્યો ઇતિહાસ; </strong></span>પવન ચામલિંગનો રેકોર્ડ તોડી બન્યા ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા... </p>

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં આજે એક એવો સુવર્ણ અધ્યાય લખાયો છે જે આવનારી પેઢીઓ માટે એક માર્ગદર્શક સ્તંભ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત જનસેવા અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના જોરે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ હવે ભારતના ઈતિહાસમાં સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપનારા નેતા બની ગયા છે. આ મામલે તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના વર્ષો જૂના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. PM મોદીએ કુલ 8,931 દિવસ સુધી સત્તાના સર્વોચ્ચ શિખરે રહીને જનતાની સેવા કરી છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ અને દેશના વડાપ્રધાન તરીકેની તેમની સફરનો સમાવેશ થાય છે. અગાઉ પવન ચામલિંગે 8,930 દિવસ સુધી મુખ્યમંત્રી પદ સંભાળીને આ વિક્રમ પોતાના નામે કર્યો હતો, પરંતુ મોદીની અવિરત અને અજેય રાજકીય યાત્રાએ હવે આ આંકડાને નવો વળાંક આપ્યો છે. આ સિદ્ધિ માત્ર દિવસોની ગણતરી નથી, પરંતુ એક એવા નેતાની અડગતાનું પ્રતીક છે જેણે ક્યારેય ચૂંટણીના મેદાનમાં હારનો સામનો કર્યો નથી.

PM મોદીની આ ઐતિહાસિક સફરની શરૂઆત 7 ઓક્ટોબર, 2001ના રોજ થઈ હતી જ્યારે તેમણે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એ સમયે ગુજરાત અનેક કુદરતી અને સામાજિક આપત્તિઓથી ઘેરાયેલું હતું. વિનાશક ભૂકંપ, ભયાનક દુષ્કાળ અને ચક્રવાત જેવી આફતો વચ્ચે ગુજરાતના સુકાની બનેલા નરેન્દ્ર મોદીએ પોતાની વહીવટી કુશળતાથી રાજ્યને બેઠું કર્યું હતું. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં તેમણે પોતે સ્વીકાર્યું છે કે તે પડકારોએ જ તેમને મજબૂત બનાવ્યા હતા. ગરીબો માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરવાના અને પ્રમાણિકતાના રસ્તે ચાલવાના પોતાની માતાના સંસ્કારોને તેમણે વહીવટનો પાયો બનાવ્યો હતો. ગુજરાતમાં કૃષિ, ઉદ્યોગ અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રે જે પરિવર્તન આવ્યું, તેણે જ 'ગુજરાત મોડેલ'ની ઓળખ ઉભી કરી અને તેમને 2014માં દેશના વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનાવ્યા.

2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા બાદ, PM મોદીએ દેશના વિકાસના સમીકરણો બદલી નાખ્યા છે. 2014, 2019 અને હવે 2024માં સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળીને તેમણે ભારતીય રાજનીતિમાં સ્થિરતાનો નવો યુગ શરૂ કર્યો છે. તેમના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી છે અને સરકારના દાવા મુજબ આશરે 25 કરોડથી વધુ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. નારી શક્તિ, યુવા સંસાધન અને ખેડૂતોના કલ્યાણને કેન્દ્રમાં રાખીને પીએમ મોદીએ 'વિકસિત ભારત 2047'ના લક્ષ્ય તરફ ડગ માંડ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર દેશમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે, કારણ કે આ રેકોર્ડ માત્ર એક વ્યક્તિનો નથી, પરંતુ ભારતીય મતદારોના અતુટ વિશ્વાસ અને લોકશાહીની મજબૂતીનું પ્રતિબિંબ છે. પીએમ મોદીની આ યાત્રા દર્શાવે છે કે જ્યારે દ્રઢ નિશ્ચય અને જનસેવાનો ભાવ હોય, ત્યારે ઇતિહાસ આપોઆપ સર્જાતો હોય છે.