April 1, 2026
ગુજરાત

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા: બોટમાં લાઈફ જેકેટ ફરજિયાત, નિયમ ભંગ પર મુસાફરોને થશે દંડ

06:22:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા:</span> બોટમાં લાઈફ જેકેટ ફરજિયાત, નિયમ ભંગ પર મુસાફરોને થશે દંડ</strong></p>

નર્મદા જિલ્લામાં ચાલતી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટમાં મુસાફરી દરમિયાન લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં નિયમનો ભંગ કરનાર મુસાફરો અને બોટના ઇજારદાર બંને માટે આર્થિક દંડ અને કાયદાકીય કાર્યવાહીની કડક જોગવાઈ કરવામાં આવી છે.

પરિક્રમાનો પ્રારંભ અને શ્રદ્ધાળુઓનો ધસારો 

રાજપીપલા: નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાતી અત્યંત પવિત્ર મનાતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો ગત 19 માર્ચથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા અને માતા નર્મદાના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

સુરક્ષા માટે કડક જાહેરનામું અને દંડની જોગવાઈ

નદી પાર કરતા હજારો શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા'ની જોગવાઈ અંતર્ગત એક કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા નિયમ મુજબ, નદી પાર કરાવતી નાવડીમાં બેસનાર તમામ પેસેન્જરે ફરજિયાતપણે લાઇફ જેકેટ પહેરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ લાઇફ જેકેટ પહેર્યા વિના પકડાશે, તો તેની પાસેથી વ્યક્તિ દીઠ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત, જો નાવડીના ઇજારદાર દ્વારા મુસાફરોને લાઇફ જેકેટ પૂરા પાડવા બાબતે કોઈ ચૂક કે બેદરકારી જણાશે, તો ઇજારદાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.

દંડ વસૂલાત અને કામગીરીની સ્પષ્ટ વહેંચણી 

વહીવટી તંત્ર દ્વારા આ નિયમના અમલીકરણ માટે કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. જાહેરનામા મુજબ, નિયમો અંગે જાગૃતિ માટે જરૂરી બોર્ડ અને બેનર લગાવવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઇજારદારની રહેશે. નિયમનો ભંગ કરનાર પેસેન્જર પાસેથી દંડ વસૂલવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. જ્યારે, લાઇફ જેકેટ આપવામાં બેદરકારી દાખવનાર ઇજારદાર પાસેથી દંડ વસૂલવાની સત્તા રાજપીપળાના પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરને સોંપવામાં આવી છે.

જાહેરનામાની મુદત અને કાનૂની કાર્યવાહી 

જિલ્લા મેજિસ્ટ્રેટનું આ સુરક્ષા જાહેરનામું 18 એપ્રિલ, 2026 ના રોજ રાત્રિના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. નિયત સમયગાળા દરમિયાન આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે 'ભારતીય ન્યાય સંહિતા - 2023' ની કલમ 223 ની જોગવાઈઓ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.