April 1, 2026
ગુજરાત

નર્મદા નદી અને આલમગઢના તળાવમાં ડૂબી જવાની બે દુર્ઘટના : અલગ-અલગ દુર્ઘટનામાં ત્રણ યુવાનો લાપતા, શોધખોળ હજુ પણ ચાલુ... 

11:50:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નર્મદા નદી અને આલમગઢના તળાવમાં ડૂબી જવાની બે દુર્ઘટના : </strong></span>અલગ-અલગ દુર્ઘટનામાં ત્રણ યુવાનો લાપતા, શોધખોળ હજુ પણ ચાલુ... </p>

વડોદરા જિલ્લામાં ગતરોજ રવિવારનો રજાનો દિવસ માતમમાં ફેરવાઈ ગયો હતો, જ્યાં અલગ-અલગ બે સ્થળોએ જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓ બની છે. વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરના સમયે ચાર મિત્રો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ગામના તળાવમાં નહાવા માટે પડ્યા હતા. મોજ-મસ્તી સાથે નહાઈ રહેલા આ ચાર યુવાનો પૈકી બે યુવાનો અચાનક પાણીના ઊંડા ધરામાં ગરકાવ થવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય બે મિત્રોને તરતા આવડતું હોવાથી તેઓ જેમ-તેમ કરીને કિનારે પહોંચી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ અમિત સુરેશ તડવી અને શૈલેષ રમણભાઈ સોલંકી નામના બે આશાસ્પદ યુવાનો જોતજોતામાં જ ઊંડા પાણીમાં ગુમ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા જ સ્થાનિકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

વડોદરા ટીપી-3 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગઈકાલ સાંજથી જ બંને યુવાનોની શોધખોળ આદરી હતી. જોકે, તળાવના તળિયે ભારે માત્રામાં કાદવ-કીચડ હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે અવરોધ ઉભો થયો હતો. ફાયર વિભાગના જવાનોએ આશંકા વ્યક્ત કરી છે કે ડૂબેલા યુવાનોના મૃતદેહો કીચડમાં ફસાઈ ગયા હોઈ શકે છે. ઘટનાને 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બંનેમાંથી એક પણ યુવાનનો પત્તો લાગ્યો નથી. આજે સતત બીજા દિવસે પણ જરોદ પોલીસની હાજરીમાં શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેને પગલે આખા ગામમાં ભારે ગમગીની અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આલમગઢની આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વડોદરા જિલ્લાના જ અન્ય એક છેડે અંબાલી ગામ નજીક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરથી નર્મદા મૈયાની પરિક્રમા કરવા આવેલો એક 22 વર્ષીય યુવાન નર્મદા નદીના પવિત્ર જળમાં સ્નાન કરવા ઉતર્યો હતો. આ સમયે નદીનો પ્રવાહ અત્યંત વેગીલો હોવાથી યુવાન પાણીના તેજ વહેણમાં પોતાની જાતને સંભાળી શક્યો ન હતો અને જોતજોતામાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. પરિક્રમા કરવા આવેલા અન્ય યાત્રાળુઓએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક પોલીસ અને કરજણ ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. શિનોર પોલીસ અને ફાયરના જવાનો દ્વારા નદીના પટમાં દૂર-દૂર સુધી બોટની મદદથી યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ નદીનો પ્રવાહ અવરોધરૂપ બની રહ્યો છે. આમ, વડોદરામાં એક જ દિવસમાં ત્રણ યુવાનો પાણીમાં લાપતા થતા પરિવારો પર આભ ફાટી પડ્યું છે.