નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા: ભીડને નિયંત્રિત કરવા વહીવટી તંત્ર સજ્જ, રજિસ્ટ્રેશન અને લાઈફ જેકેટ ફરજિયાત
હિન્દુ ધર્મમાં નર્મદા નદીને જીવંત દેવી માનવામાં આવે છે. અન્ય નદીઓમાં સ્નાનનું મહત્વ છે, જ્યારે નર્મદાના માત્ર દર્શનથી પુણ્ય મળે છે તેવી માન્યતા છે. ખાસ કરીને ચૈત્ર માસમાં આવતી 'ઉત્તરવાહિની પરિક્રમા' વિશેષ ફળદાયી મનાય છે, કારણ કે અહીં નર્મદા મૈયા ઉત્તર દિશા તરફ વહે છે. આ 21 કિમીની પંચકોષી પરિક્રમા શ્રદ્ધા અને સમર્પણનું પ્રતીક છે, જેમાં દર વર્ષે લાખો ભક્તો સહભાગી થાય છે.
વહીવટી તંત્રની ખાસ તૈયારીઓ અને અપીલ
નર્મદા જિલ્લામાં 19 માર્ચથી શરૂ થયેલી આ પરિક્રમામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા છે:
રજિસ્ટ્રેશન ફરજિયાત: વધતી ભીડને ધ્યાનમાં રાખીને, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ પર નોંધણી કરાવવી અનિવાર્ય છે. ખાસ કરીને 25 થી 30 માર્ચ અને ત્યારબાદ એપ્રિલ મહિનાની 2, 3, 4, 11 અને 13 તારીખે માત્ર રજિસ્ટ્રેશન કરાવનાર ભક્તોને જ પ્રવેશ મળશે.
સ્ટેગરિંગ પદ્ધતિ (ટુકડે-ટુકડે પ્રવેશ): શનિ-રવિ અને રામનવમી જેવી જાહેર રજાઓમાં ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિ અમલમાં મુકાશે. આ વ્યવસ્થા મુખ્યત્વે તિલકવાડા ત્રણ રસ્તા અને વાવડી રોડથી રામપુરા જવાના માર્ગ પર કરવામાં આવશે.
સુરક્ષા નિયમો: નદી ઓળંગતી વખતે બોટમાં લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવાની પણ વિચારણા ચાલી રહી છે.
ભક્તોને વિનંતી: વહીવટી તંત્રએ અપીલ કરી છે કે ભક્તો રજાના દિવસોને બદલે મંગળવાર, બુધવાર કે ગુરુવાર જેવા સામાન્ય દિવસોમાં આવે, જેથી તેમને વધુ સારી સુવિધાઓ મળી શકે.