ગમખ્વાર અકસ્માત : નાસિકમાં કાર કૂવામાં ખાબકી, એક જ પરિવારના 9 સભ્યોના મોત...
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ગતરોજ શુક્રવારની રાત્રિ કાળી સાબિત થઈ હતી, જ્યારે એક ગમખ્વાર અકસ્માતમાં ઇન્દૌરે ગામના દરગોડે પરિવારના નવ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. નાસિકથી અંદાજે 40 કિલોમીટર દૂર આવેલા ડિંડોરી તાલુકાના શિવાજીનગર વિસ્તારમાં રાત્રે લગભગ 11:30 વાગ્યે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દરગોડે પરિવાર ડિંડોરીના રાજે બેન્ક્વેટ હોલમાં આયોજિત વડજે ક્લાસીસના વાર્ષિક મહોત્સવમાં હાજરી આપીને પોતાની મારુતિ એક્સએલ-6 કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો. ખુશીના માહોલ વચ્ચે પરિવારના સભ્યો ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા અને પાણીથી છલોછલ ભરેલા ઊંડા કૂવામાં ખાબકી હતી. કારમાં સવાર માસૂમ બાળકો અને મહિલાઓ કંઈ સમજે તે પહેલા જ કાળનો પંજો ફરી વળ્યો હતો અને ક્ષણભરમાં હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો તેમજ વહીવટી તંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, કૂવો પાણીથી ભરેલો હોવાને કારણે અને રાત્રિના અંધકારમાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ક્રેન મશીનોની મદદથી મધરાત્રે ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની અંદરથી નવ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે એક બાળકી પાણીમાં ડૂબી ગઈ હોવાની શંકાએ લાંબો સમય સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં સુનિલ દત્તાત્રેય દરગોડે, તેમની પત્ની રેશ્મા અને પુત્રી ગુણવંતી સહિત પરિવારના અન્ય પાંચ બાળકો અને મહિલાઓના કરુણ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના નવ લોકોના સામૂહિક મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.