નવસારી જિલ્લા પંચાયત ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપના 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થવાની પ્રબળ શક્યતા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત નવસારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. વિપક્ષ દ્વારા 3 બેઠકો પર કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારવામાં આવતા, ભાજપના 3 ઉમેદવારો મતદાન પહેલા જ બિનહરીફ વિજેતા બન્યા હોવાનું સંભવિત જણાઈ રહ્યું છે.
વિપક્ષ ઉમેદવાર ઉભા રાખવામાં નિષ્ફળ, ચકાસણી પહેલા જ જીત નિશ્ચિત
પ્રાપ્ત અહેવાલ અનુસાર, નવસારી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ભાજપ માટે ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. ઉમેદવારી કરવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની 3 બેઠકો એવી રહી જ્યાં વિપક્ષ તરફથી એક પણ ઉમેદવાર પોતાનું નામાંકન નોંધાવી શક્યો ન હતો. આજે ભરાયેલા ઉમેદવારી પત્રોની હવે વહીવટી તંત્ર દ્વારા ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ, સામે કોઈ હરીફ ન હોવાથી આ ત્રણેય બેઠકો ઔપચારિક રીતે ભાજપના ફાળે જવી નિશ્ચિત બની ગઈ છે.
જાણો કઈ 3 બેઠકો પર ભાજપે મારી બાજી
વિપક્ષ દ્વારા મેદાન ખાલી છોડી દેવામાં આવતા જે 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, તેમાં ગણદેવી તાલુકાની 2 અને ચીખલી તાલુકાની 1 બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ગણદેવી તાલુકાની દેવસર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેખાબેન બિપિનભાઈ પટેલ બિનહરીફ વિજેતા બની શકે છે અને ગણદેવીની જ બિગરી બેઠક પર ભાજપના ભીખુભાઈ અમરતભાઈ પટેલ સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તે પણ બિનહરિફ જીતશે. ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ મેદાનમાં હતા, તેમની સામે પણ કોઈ ઉમેદવાર ન આવતા તેઓ ફરી એકવાર બિનહરીફ વિજેતા બનશે.