નેપાળમાં નવા વર્ષના સ્વાગતની ઉમંગભેર તૈયારીઓ: ભક્તપુરમાં 9 દિવસીય ઐતિહાસિક 'બિસ્કેટ જાત્રા'નો પ્રારંભ

કાઠમંડુ ખીણના ભક્તપુર જિલ્લામાં સંગીત અને ઉત્સવોના માહોલ વચ્ચે નેપાળી નવા વર્ષની ઉજવણીનો વહેલો પ્રારંભ થઈ ગયો છે. આગામી 14 એપ્રિલના રોજ નેપાળી કેલેન્ડર મુજબ 1લી વૈશાખ હોવાથી દેશભરમાં નવા વર્ષના આગમનની ખુશીમાં રાષ્ટ્રીય રજા રહેશે. નવા વર્ષના સ્વાગત માટે ભક્તપુરના નાગરિકો દ્વારા 9 દિવસીય ઐતિહાસિક 'બિસ્કેટ જાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
પરંપરાગત વાદ્યોના તાલે નેવાર સમુદાયનું નૃત્ય
ઉત્સવ દરમિયાન નેવાર સમુદાયના લોકો તેમના પરંપરાગત પોશાક સજીને ઉજવણીમાં જોડાય છે. તેઓ ધીમે, માદળ, ઝાલ, ડંફુ, તુરાહી અને પાંચે બાજા જેવા પરંપરાગત સંગીત અને વાદ્યોના તાલે મનમૂકીને નૃત્ય કરે છે. આ સંગીતમય માહોલ સ્થાનિક સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ પૂરો પાડે છે.
ભગવાન ભૈરવનો 3 માળનો લાકડાનો રથ બન્યો આકર્ષણ
બિસ્કેટ જાત્રાનું મુખ્ય આકર્ષણ પેગોડા શૈલીમાં લાકડામાંથી બનેલો 3 માળનો વિશાળ રથ છે, જેમાં ભગવાન ભૈરવની પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે. ઉત્સવની પરંપરા મુજબ, સ્થાનિક લોકોના બે અલગ-અલગ જૂથો દ્વારા આ રથને ખેંચવામાં અને ધકેલવામાં આવે છે. ભૈરવનાથ અને બેતાલની પ્રતિમાઓ સાથેનો આ રથ વિવિધ શેરીઓ અને માનવ વસાહતોની આસપાસ ફેરવવામાં આવે છે, જ્યાં લોકો દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવે છે.
મલ્લ રાજવંશ સમયની ઐતિહાસિક પરંપરા
ઉલ્લેખનીય છે કે, આ બિસ્કેટ જાત્રાની શરૂઆત મલ્લ રાજવંશના શાસનકાળ દરમિયાન થઈ હતી. ઔપચારિક રીતે આ ઐતિહાસિક જાત્રા નેપાળી નવા વર્ષની શરૂઆતના 4 દિવસ પહેલા શરૂ કરવામાં આવે છે અને સળંગ 9 દિવસ સુધી ચાલે છે.