સાબરકાંઠામાં નવજાત શિશુનો 2 લાખમાં સોદો: આંતરરાજ્ય તસ્કરી નેટવર્કનો પર્દાફાશ
સમાજ માટે કલંક સમાન માનવ તસ્કરીની ઘટનાઓ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને આર્થિક સંકડામણનો લાભ ઉઠાવી નવજાત શિશુઓને નિશાન બનાવતી ટોળકીઓ સક્રિય થઈ છે, જે માસૂમ બાળકોના ભવિષ્યનો સોદો કરી રહી છે. સાબરકાંઠામાં સામે આવેલો આવો જ એક કિસ્સો માનવતાને શર્મસાર કરનારો છે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં માત્ર 9 દિવસના માસૂમ બાળકને વેચી દેવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ સચોટ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય ટોળકીના 5 શખસોને દબોચી લીધા છે.
બાતમી અને પોલીસની સફળતા:
પોલીસને બાતમી મળી હતી કે ખેડબ્રહ્માના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ડાભી નવજાત બાળકોની લે-વેચમાં સંડોવાયેલો છે. પોલીસે છટકું ગોઠવી તેને મટોડા ગામ પાસેથી ઝડપી લીધો હતો. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, અંદાજે 15 દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના બાળકને અમદાવાદની એક વ્યક્તિને Rs. 2,00,000 માં વેચી દેવામાં આવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓની વિગતો
આ ગુનામાં ગુજરાત અને રાજસ્થાનના શખસોની સંડોવણી ખુલી છે:
માલજી ઉર્ફે માલિયો ડાભી (ખેડબ્રહ્મા)
સુવન ઉર્ફે સોવમ ડાભી (ખેડબ્રહ્મા)
દેવજી ઉર્ફે દેવા પારધી (ઉદેપુર, રાજસ્થાન)
લક્ષ્મણ ડાભી (ઉદેપુર, રાજસ્થાન)
પ્રમોદ રાજવંશી (મોટેરા, અમદાવાદ)
કાનૂની કાર્યવાહી અને તપાસ
ખેડબ્રહ્મા પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ BNS 2023 ની કલમ 143(4), 61(2)(A) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અગાઉ કેટલા બાળકોના સોદા કર્યા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.