બિહારમાં ‘નીતિશ યુગ’નો અંત? સીએમ પદ છોડી નીતિશ કુમારે લીધા રાજ્યસભાના શપથ, હવે કોણ બનશે બિહારના નવા નાથ

લોકસભા, વિધાનસભા અને વિધાનપરિષદ બાદ હવે રાજ્યસભા! બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સંસદના ઉચ્ચ ગૃહના સભ્ય તરીકે શપથ લઈને ભારતીય રાજનીતિમાં એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જોકે, તેમના સાંસદ બનવાની સાથે જ બિહારમાં ભાજપના નવા મુખ્યમંત્રીની અટકળોએ જોર પકડ્યું છે. દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડની બેઠકો અને પટનામાં સમ્રાટ ચૌધરીના લાગેલા પોસ્ટરો સૂચવે છે કે બિહારના રાજકારણમાં ટૂંક સમયમાં જ કોઈ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે.
10 વખત બિહારના સીએમ તરીકે શપથ લીધા બાદ હવે તેઓ કેન્દ્રના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહ્યા હોય તેમ જણાય છે. નીતિશ કુમારના સ્થાને બિહારની કમાન કોણ સંભાળશે તે મુદ્દે દિલ્હીમાં ભાજપના કોર ગ્રુપની હાઈપ્રોફાઈલ બેઠકોનો દોર શરૂ થયો છે. બિહારમાં હવે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે. આ બેઠકમાં રાજ્યના આગામી નેતૃત્વ અને મંત્રીમંડળના માળખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે. પટનામાં સમ્રાટ ચૌધરીના સમર્થનમાં લાગેલા પોસ્ટરોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.
ભાજપ હાઈકમાન્ડ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા વચ્ચે સંતુલન જાળવવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ અંગેનો અંતિમ નિર્ણય 14 એપ્રિલના રોજ લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. બિહારના વરિષ્ઠ મંત્રી વિજય ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે ભલે નેતૃત્વ બદલાય, પરંતુ નવી સરકાર પણ 'નીતિશ મોડલ' એટલે કે ન્યાય સાથે વિકાસના સિદ્ધાંત પર જ કામ કરવાનું ચાલુ રાખશે.
ભાજપ અને જેડીયુ વચ્ચેના ગઠબંધનને મજબૂત રાખીને જ વહીવટી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. લોકસભા છોડીને બિહારનું સુકાન સંભાળનારા નીતિશ કુમાર 20 વર્ષ બાદ ફરીથી દિલ્હી દરબારમાં પરત ફર્યા છે. 2026માં 10મી વખત સીએમ બન્યાના ગણતરીના મહિનાઓમાં જ તેમનો રાજ્યના રાજકારણથી મોહભંગ થવો અને રાજ્યસભામાં જવું એ બિહારના ભાવિ રાજકારણ માટે ખૂબ જ મહત્વનું પગલું માનવામાં આવે છે.