પેટ્રોલ પંપ પર મચી પડાપડી: ગુજરાત સરકારની ‘નો કેન, નો બોટલ’ પોલિસી, અફવાખોરો સામે કડક કાર્યવાહીના આદેશ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને પગલે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓના કારણે રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેને પગલે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્વની સ્પષ્ટતા કરી છે. હવેથી રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર માત્ર વાહનોની ટાંકીમાં જ ઈંધણ ભરી શકાશે.
કોઈપણ વ્યક્તિ કેન, બોટલ અથવા બેરલ જેવા છૂટક પાત્રોમાં પેટ્રોલ કે ડીઝલની ખરીદી કરી શકશે નહીં,આ નિર્ણય લેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઇંધણની સંગ્રહખોરી રોકવાનો અને પંપો પર થતી અંધાધૂંધીને નિયંત્રિત કરવાનો છે. જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક કે વ્યક્તિ કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા ઇંધણનો ગેરકાયદે સંગ્રહ કરશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રિફાઇનરીઓ દ્વારા નિયમિત સપ્લાય ચાલુ છે અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ કોઈ અવરોધ નથી.
તેથી નાગરિકોએ ચિંતા કરવાની કે અછતનો ભય રાખવાની જરૂર નથી, ઇંધણની સાથે સાથે સરકારે હોટલ-રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આપ્યા છે. સરકારે કોમર્શિયલ LPGના ક્વોટામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેથી વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કોઈ અડચણ ન આવે અને ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરી શકાય. તંત્રએ સ્પષ્ટતા કરી છે કે ઇંધણના વિતરણ પર કોઈ પ્રતિબંધ કે રેશનિંગ લાદવામાં આવ્યું નથી. માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષાના હેતુથી છૂટક વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વાહનચાલકો પોતાની જરૂરિયાત મુજબ વાહનોમાં ઇંધણ ભરાવી શકે છે. અફવાઓ એવી પણ હતી કે ઇંધણના ભાવમાં તોતિંગ વધારો થવાનો છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાગરિકોએ કિંમત વધારાની અફવાથી પ્રેરાઈને પંપ પર ભીડ ન કરવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ભ્રામક માહિતી ફેલાવનારા તત્વો સામે પણ પોલીસ નજર રાખી રહી છે. ખોટા સમાચારો ફેલાવીને જનતામાં ભય પેદા કરનારાઓ સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી કડક પગલાં ભરવાની તૈયારી તંત્રએ દર્શાવી છે.