ઇન્તજાર ખતમ! દેશને મળ્યું નવું એરપોર્ટ, PM મોદીના હસ્તે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું થયું ઉદ્ઘાટન...
નોએડા અને સમગ્ર દિલ્હી-NCRના પરિવહન ક્ષેત્રે આજે એક ઐતિહાસિક ક્રાંતિનો પ્રારંભ થયો છે. જેવર ખાતે આકાર પામેલા એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય કાર્યક્રમમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી રાજનાથ સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલા વિઝન અને છેલ્લી બે દાયકાથી વધુ સમયની લાંબી રાહનો સુખદ અંત આવ્યો છે. અંદાજે 11,200 કરોડ રૂપિયાના તોતિંગ રોકાણ સાથે તૈયાર થયેલું આ એરપોર્ટ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશની અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. વડાપ્રધાને રિમોટ કંટ્રોલ દ્વારા માત્ર એરપોર્ટ જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલા લોજિસ્ટિક હબ અને MRO સુવિધાનું પણ લોકાર્પણ કરીને આધુનિક ભારતની ઝાંખી કરાવી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ અત્યંત પ્રેરણાદાયી અને નવા અંદાજમાં જનમેદનીને સંબોધિત કરી હતી. મંચ પરથી બોલતા તેમણે જ્યારે પૂછ્યું કે 'શું ઉદ્ઘાટન થઈ ગયું?' ત્યારે લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું, પરંતુ ત્યારબાદ પીએમ મોદીએ સૌને પોતાના મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરવા જણાવીને એક અનોખી રીતે ઉદ્ઘાટન સંપન્ન કરાવ્યું હતું. તેમણે ભાવુક સ્વરે કહ્યું હતું કે આ એરપોર્ટ દેશના નાગરિકોની અમાનત અને તેમના પુરુષાર્થનું પ્રતીક છે. આ તકે અંદાજે 2 લાખથી વધુ લોકોની હાજરીમાં ભારત માતાના જયઘોષ સાથે આકાશ ડિજિટલ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે આ માત્ર એક ઈમારતનું ઉદ્ઘાટન નથી પરંતુ આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અવસરે PM મોદીનો આભાર માનતા પાછલી સરકારોની આકરી ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2001 થી 2017 સુધી ઉત્તર પ્રદેશ વિકાસના 'બોટલનેક'માં ફસાયેલું હતું, પરંતુ ડબલ એન્જિનની સરકાર આવ્યા બાદ હવે યુપી 'બ્રેકથ્રુ' મોડમાં આવી ગયું છે. CM યોગીએ વિશેષ કરીને એ ખેડૂતોનો આભાર માન્યો હતો જેમણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 13,000 એકર જેટલી વિશાળ જમીન આપીને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જ્યારે વિશ્વના અનેક વિકસિત દેશોમાં ઈંધણના ભાવ અને આર્થિક અસ્થિરતાને કારણે અરાજકતા છે, ત્યારે ભારત PM મોદીના નેતૃત્વમાં નિર્બાધ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે.
આ ભવ્ય પ્રોજેક્ટના ઉદ્ઘાટન સાથે જ ઉત્તર પ્રદેશ વન ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા તરફ મક્કમ ડગલાં ભરી રહ્યું છે. પૂર્વ નોએડા CEO અવનીશ અવસ્થીએ પણ આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ગંગા એક્સપ્રેસવે જેવા આગામી પ્રોજેક્ટ્સ યુપીના વિકાસમાં વધુ વેગ ઉમેરશે. LPGના કડક સુરક્ષા ઘેરા વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે જેવર એરપોર્ટ હવે વિશ્વના નકશા પર ભારતની નવી ઓળખ બનીને ઉભરશે.