April 10, 2026
સ્પોર્ટ્સ

અલવિદા લેજન્ડ: ભારતના સૌથી વૃધ્ધ ટેસ્ટ ક્રિકેટર સી.ડી. ગોપીનાથનું નિધન

01:18:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અલવિદા લેજન્ડ: </strong></span>ભારતના સૌથી વૃધ્ધ ટેસ્ટ ક્રિકેટર સી.ડી. ગોપીનાથનું નિધન</p>

IPL 2026ની ધમાકેદાર સિઝન વચ્ચે ભારતીય ક્રિકેટ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતના સૌથી વયોવૃદ્ધ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સી.ડી. ગોપીનાથનું 96 વર્ષની વયે ચેન્નાઈમાં નિધન થયું છે. 9 એપ્રિલ, 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ભારતીય ક્રિકેટના પ્રારંભિક અને સુવર્ણ યુગની છેલ્લી જીવંત કડી પણ તૂટી ગઈ છે. સી.ડી. ગોપીનાથનું નામ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે. તેઓ 1952માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે ભારતને મળેલી સર્વપ્રથમ ટેસ્ટ જીતનો હિસ્સો હતા. વિજય હઝારેના નેતૃત્વમાં રમાયેલી એ ઐતિહાસિક મેચમાં રમનાર ભારતીય ટીમના તેઓ છેલ્લા જીવિત ખેલાડી હતા.

તેમના અવસાન સાથે એ વિજયી પેઢીના તમામ સિતારાઓ હવે અનંતની યાત્રાએ પરવાર્યા છે. 1 માર્ચ, 1930ના રોજ ચેન્નાઈમાં જન્મેલા સી.ડી. ગોપીનાથે 1951માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની કારકિર્દીની પહેલી જ ટેસ્ટ ઈનિંગમાં તેમણે આઠમા નંબરે બેટિંગમાં આવીને અણનમ ૫૦ રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે ભારત મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું, જે તે સમયે મોટી સિદ્ધિ ગણાતી હતી.  ટેસ્ટ ક્રિકેટ ઉપરાંત સી.ડી. ગોપીનાથનો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પણ ભારે દબદબો રહ્યો હતો.

સી.ડી. ગોપીનાથે ભારત માટે કુલ 8 ટેસ્ટ મેચ રમી હતી, સી.ડી. ગોપીનાથના નિધન બાદ હવે ૯૫ વર્ષીય ચંદ્રકાંત પટણકર ભારતના સૌથી વયોવૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર બની ગયા છે. ગોપીનાથ પોતાની છેલ્લી ઘડી સુધી ક્રિકેટ પ્રત્યે એટલા જ ઉત્સાહી હતા અને હંમેશા યુવા ખેલાડીઓને જૂના જમાનાની ક્રિકેટ અને તેની ટેકનિક વિશે માર્ગદર્શન આપતા રહેતા હતા. તેમના અવસાન પર BCCI, તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન અને અનેક દિગ્ગજ ખેલાડીઓએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ગોપીનાથ માત્ર એક ખેલાડી નહીં, પણ ભારતીય ક્રિકેટના બદલાતા સ્વરૂપના સાક્ષી હતા. ચેન્નાઈના આ સિતારાની વિદાયથી ભારતીય રમતગમત ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.