OLX પર આઈફોન લેવા જતાં અમદાવાદનો યુવાન લૂંટાયો, 1.10 લાખની છેતરપિંડી!
અમદાવાદ શહેરમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના એક ૩૨ વર્ષીય યુવાનને OLX પર સસ્તામાં આઈફોન ખરીદવો મોંઘો પડ્યો છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત મુજબ, ગઠિયાઓએ આઈફોન 17 પ્રો મેક્સની લાલચ આપી યુવાન પાસેથી અલગ-અલગ બહાને કુલ 1,10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા યુવાને સાયબર હેલ્પલાઇન અને પોલીસનો સંપર્ક કર્યો છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા લેક પાસે રહેતા 32 વર્ષીય અઝરુદિન કુરેશીએ ફરિયાદ નોંધાવી છે કે ગત 27મી માર્ચના રોજ તેમણે OLX પર આઈફોન 17 પ્રો મેક્સ માત્ર 1.18 લાખ રૂપિયામાં વેચવા માટેની જાહેરાત જોઈ હતી.
બજાર કિંમત કરતા ફોન સસ્તો મળતો હોવાથી અઝરુદિન લાલચમાં આવી ગયા હતા અને સામેવાળી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. ઠગબાજે વિશ્વાસ જીતવા માટે ફોન માટે એડવાન્સ પેમેન્ટની માંગણી કરી હતી. ગઠિયાએ અઝરુદિનને વિશ્વાસમાં લેવા માટે અલગ-અલગ QR કોડ સ્કેનર મોકલ્યા હતા, જેમાં અઝરુદિને ટુકડે-ટુકડે કુલ 1.10 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું. પેમેન્ટ થઈ ગયા બાદ આરોપીએ જણાવ્યું હતું કે, "તમે મણિનગરના એક જાણીતા શો-રૂમ પર જઈને મેનેજર કલ્પેશભાઈનું નામ આપશો એટલે તેઓ તમને હેન્ડસેટ આપી દેશે."
આ વાતોમાં આવીને યુવાન મોબાઈલ લેવા શો-રૂમ પર પહોંચ્યો હતો. જ્યારે અઝરુદિન શો-રૂમ પર પહોંચ્યા ત્યારે મેનેજર હાજર નહોતા. આરોપીએ ફોન પર જણાવ્યું કે સ્ટોરકીપર સાલુ નામની મહિલાને મળી લો. જોકે, ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે આવી કોઈ વ્યક્તિ કે મેનેજર સાથે ઠગબાજને કોઈ લેવાદેવા નથી. મેનેજર સાથે વાત થયા બાદ અઝરુદિનને સમજાયું કે શો-રૂમના નામે તેની સાથે મોટી છેતરપિંડી થઈ છે અને તેને ખોટા વિશ્વાસમાં રાખવામાં આવ્યો હતો.
પોતાની સાથે લાખોની ઠગાઈ થઈ હોવાનું જણાતા અઝરુદિને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે સાયબર સેલની મદદથી તપાસ કરી રહી છે. આ કિસ્સો ઓનલાઈન પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિને એડવાન્સ પેમેન્ટ ન કરવા માટે ખેડૂતો અને અન્ય નાગરિકો માટે લાલબત્તી સમાન છે.