બેફામ બલેનો કારનો કહેર: પડધરીના ગામોમાં ફિલ્મી ઢબે અકસ્માતો સર્જી ચાલક ફરાર
પડધરી તાલુકાના સરપદડ, રાદડ અને ઇટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજે એક કારચાલકે ફિલ્મી ઢબે આતંક મચાવ્યો હતો. પૂરપાટ વેગે દોડતી કારના ચાલકે માર્ગ પર આવતા અનેક વાહનો અને રાહદારીઓને હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે નાસભાગ મચી ગઈ હતી. આ મામલે પડધરી પોલીસે ટંકારાના પીયાવા ગામના શખ્સ નવઘણ બાંભવા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, રાદડ ગામના રિક્ષાચાલક યજુરાજસિંહ જાડેજા પોતાના ગામના મુસાફરોને લઈને જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી બલેનો કારના ચાલકે અચાનક યુ-ટર્ન લઈ રિક્ષા તરફ કાર હંકારી હતી.
કારચાલકનો ઈરાદો ભયાનક જણાતા, રિક્ષામાં બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા ચાલુ રિક્ષામાંથી નીચે કૂદકો માર્યો હતો. કારચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા રોડ નીચે આવેલા વોંકળામાં ખાબકી હતી. આ પહેલા આ કારચાલકે સરપદડ ગામે એક ઇકો ગાડી સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. જ્યારે ગ્રામજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે "આવી રીતે ગાડી કેમ ચલાવે છે, કોઈ મરી જશે," ત્યારે નવઘણ નામના શખ્સે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે "આજે તો બધાને મારી જ નાખવા છે." આરોપીઓએ ગ્રામજનોને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
જોકે, બેફામ બનેલા ચાલકે પોલીસની પણ પરવા કર્યા વગર કાર આગળ ધપાવી દીધી હતી. આ કાળદૂત જેવી કારે સરપદડના પુલ પાસે અને બસ સ્ટેન્ડ પાસે પણ ત્રણ જેટલા લોકોને અડફેટે લઈને ઇજા પહોંચાડી હતી. હાલમાં પડધરી પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બનેલી આ ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે જેથી આ 'રોડ રેજ'ની ઘટનામાં સામેલ તમામ ગુનેગારોને કડક સજા અપાવી શકાય.