પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનું 65 વર્ષની વયે નિધન.. બાથરૂમમાં લપસી પડવાથી થઈ હતી ગંભીર ઈજા
પાકિસ્તાન સેનાના પૂર્વ પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનું શનિવારે 65 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. તેમના અવસાનથી પાકિસ્તાનના લશ્કરી અને રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફરી વળી છે. મળતી માહિતી અનુસાર, ગત ફેબ્રુઆરી મહિનામાં જનરલ બાજવા પોતાના નિવાસસ્થાને બાથરૂમમાં અચાનક લપસી પડ્યા હતા. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
ઈજા એટલી જીવલેણ હતી કે અકસ્માત બાદ જનરલ બાજવાને રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી તેઓ હોસ્પિટલના ICU માં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ હતા. સતત સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને અંતે શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જનરલ કમર જાવેદ બાજવા પાકિસ્તાન સેનાના 10મા સેના પ્રમુખ હતા. નવેમ્બર 2016 માં તેમણે કાર્યભાર સંભાળ્યો હતો અને 2022 માં તેઓ નિવૃત્ત થયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં અનેક મહત્વપૂર્ણ લશ્કરી અને રાજકીય પરિવર્તનો જોવા મળ્યા હતા.
જનરલ બાજવાના નિધન પર પાકિસ્તાનના વર્તમાન સેના પ્રમુખ, વડાપ્રધાન અને અન્ય રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. લશ્કરી પ્રોટોકોલ સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવશે તેવી શક્યતા છે. પાકિસ્તાન સેના દ્વારા તેમના સન્માનમાં સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. જનરલ બાજવાનો કાર્યકાળ જેટલો લાંબો રહ્યો, તેટલો જ વિવાદોથી પણ ઘેરાયેલો રહ્યો હતો. ખાસ કરીને પાકિસ્તાની રાજનીતિમાં સેનાના હસ્તક્ષેપ અને ભારતના સંબંધોને લઈને તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. જોકે, તેમના નિધન સાથે પાકિસ્તાન લશ્કરી ઈતિહાસના એક મહત્વના પ્રકરણનો અંત આવ્યો છે.