પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામાં છત ધરાશાયી થતાં 14 બાળકો સહિત 17 લોકોનાં મોત, 56 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં 25 માર્ચથી સતત વરસી રહેલા વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં મકાનોની છત અને દિવાલો ધરાશાયી થવાની અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે. આ ઘટનાઓમાં 14 માસૂમ બાળકો સહિત ઓછામાં ઓછા 17 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 56 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સૌથી વધુ જાનહાનિ બન્નુ જિલ્લામાં: 8 લોકોએ જીવ ગુમાવ્યો
પ્રોવિન્શિયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, આ કુદરતી આફતમાં સૌથી વધુ નુકસાન બન્નુ જિલ્લામાં નોંધાયું છે. અહીં છત અને દિવાલો પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 7 બાળકો અને 1 મહિલા સહિત કુલ 8 લોકોના મોત થયા છે અને 42 લોકો ઘાયલ થયા છે. બન્નુના દાદ કચલોટ વિસ્તારમાં છત પડતા 9 વર્ષીય આસિફ, 6 વર્ષીય ઉમરાહ અને 3 વર્ષીય ઝવેરિયા નામના ત્રણ બાળકોના કરૂણ મોત થયા હતા. જ્યારે કોટકા ગુલામ કાદિરમાં કોમ્યુનિટી સેન્ટરના વરંડાની છત પડવાથી 2 લોકોના મોત અને 39 લોકો ઘાયલ થયા હતા. મામા ખેલમાં પણ દિવાલ ધરાશાયી થતા 2 બાળકોએ જીવ ગુમાવ્યા છે.
એબોટાબાદ અને કોહાટ સહિતના અન્ય વિસ્તારોમાં પણ તારાજી
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, એબોટાબાદની હવેલિયન તહસીલમાં એક રૂમની છત પડતા 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, કોહાટના ગુંબટ વિસ્તારમાં 2 બાળકો, ઉત્તર વઝીરિસ્તાનમાં 1 વ્યક્તિ અને બટ્ટગ્રામમાં 1 મહિલાએ પણ જીવ ગુમાવ્યો છે. લક્કી મરવતના સરાઈ નૂરુંગ અને નૌશેરામાં પણ મકાનો ધરાશાયી થતાં મહિલાઓ અને પુરુષો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને 'રેસ્ક્યૂ 1122' ની બચાવ ટીમોએ કાટમાળમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા છે.
11 મકાનોને ભારે નુકસાન, તંત્ર દ્વારા રાહત કામગીરી તેજ કરાઈ
સતત વરસી રહેલા આ વરસાદમાં પ્રાંતમાં કુલ 11 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેમાંથી 5 મકાનો માત્ર બન્નુમાં જ આવેલા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. PDMA અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારો સુધી રાહત સામગ્રીનું ઝડપી વિતરણ સુનિશ્ચિત કરવા માટે કડક આદેશો આપ્યા છે.