ગ્લોબલ લીડર બનવાની હોડ: યુદ્ધ રોકવા પાકિસ્તાને ઈરાન-અમેરિકાને મોકલ્યો શાંતિ પ્રસ્તાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને રોકવા માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે રાજદ્વારી હલચલ શરૂ થઈ છે. પાકિસ્તાન, ઇજિપ્ત અને તૂર્કિયે દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલા 45 દિવસના 'સીઝફાયર' (યુદ્ધવિરામ) ના પ્રસ્તાવ પર ઈરાન અત્યારે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જોકે, વિશ્વભરના અર્થતંત્ર માટે મહત્વની એવી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ના જળમાર્ગને ખોલવા બાબતે હજુ પણ બંને પક્ષો વચ્ચે પેચ ફસાયેલો છે. આ કટોકટીમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકામાં આવ્યું છે.
પાકિસ્તાનના સૈન્ય પ્રમુખે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે સીધી વાતચીત કરી શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવના પ્રથમ તબક્કામાં 45 દિવસનો કામચલાઉ યુદ્ધવિરામ જાહેર કરી હોર્મુઝનો માર્ગ ખોલવાની વાત છે, જ્યારે બીજા તબક્કામાં 20 દિવસ બાદ કાયમી શાંતિ કરાર કરી પરમાણુ હથિયારોનો ત્યાગ અને આર્થિક પ્રતિબંધો હટાવવા જેવા જટિલ મુદ્દાઓ પર ચર્ચા કરવાનું સૂચન છે. શાંતિના પ્રયાસો છતાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા હોર્મુઝ જળમાર્ગ પર મડાગાંઠ હજુ પણ યથાવત્ છે.
ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર કામચલાઉ યુદ્ધવિરામના બદલામાં આ માર્ગ ખોલવા તૈયાર નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકા કાયમી શાંતિ માટે ગંભીર નથી અને માત્ર રસ્તો ખોલાવવા માંગે છે. ઈરાને મક્કમતાથી જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના વિદેશી દબાણ કે ડેડલાઈન આપીને તેમની પાસે સમજૂતી કરાવી શકાશે નહીં. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે જો નિર્ધારિત સમયમાં હોર્મુઝનો માર્ગ નહીં ખુલે તો અમેરિકા ઈરાનના વીજ મથકો, પુલો અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા માટે સૈન્ય કાર્યવાહી કરશે.
આ ધમકીને કારણે ગલ્ફ વિસ્તારમાં યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. ટ્રમ્પની ધમકીના જવાબમાં ઈરાને પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાને વળતો પ્રહાર કરતા કહ્યું છે કે જ્યાં સુધી આર્થિક નુકસાનનું વળતર અને સુરક્ષાની ચોક્કસ ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કોઈ કરાર કરશે નહીં. પાકિસ્તાન અને અન્ય દેશોના પ્રયાસો અત્યારે વેગ પકડી રહ્યા છે.