ભારતમાં ડ્રોન દ્વારા નકલી નોટો ઘૂસાડવાનું પાકિસ્તાનનું ષડયંત્ર ખુલ્લું પડ્યું : BSF એ 2.5 લાખની ફેક કરન્સી ઝડપી
ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે પાકિસ્તાન સતત નવા પેંતરા અજમાવી રહ્યું છે. અત્યાર સુધી ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોકલતા પાકિસ્તાને હવે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી નોટો (FICN) ઘૂસાડવાનું શરૂ કર્યું છે. પંજાબ સરહદેથી ઝડપાયેલી આ કરન્સી સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.
ભારત-પાકિસ્તાન સરહદ પર સુરક્ષા દળોની સતર્કતાને કારણે પાકિસ્તાનનું વધુ એક કાવતરું નિષ્ફળ ગયું છે. પંજાબના અમૃતસર સેક્ટરમાં બીએસએફ (BSF) અને સ્થાનિક પોલીસના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજે 2.5 લાખ રૂપિયાની નકલી ભારતીય નોટો મળી આવી છે. આ નોટો ડ્રોન દ્વારા સરહદ પારથી ફેંકવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રથમ વખત ડ્રોનથી કરન્સીની હેરાફેરી:
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘરીન્ડા વિસ્તારમાં સર્ચ દરમિયાન આ જથ્થો મળી આવ્યો હતો. પંજાબ સરહદે આ પ્રથમ એવી ઘટના છે જેમાં પાકિસ્તાને ડ્રગ્સ કે હથિયારોને બદલે નકલી નોટો મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય. જોકે અત્યારે ઝડપાયેલી રકમ ઓછી છે, પરંતુ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ એક મોટા આર્થિક આતંકવાદના કાવતરાનો પ્રારંભ હોઈ શકે છે.
અર્થતંત્ર પર પ્રહારનો પ્રયાસ:
નકલી નોટો હથિયારો જેટલી જ ઘાતક માનવામાં આવે છે, કારણ કે તે દેશની આર્થિક વ્યવસ્થાને અસ્થિર કરવાનું કામ કરે છે. નોટબંધી બાદ નકલી નોટોના નેટવર્ક પર મોટી અસર પડી હતી, પરંતુ હવે પાકિસ્તાન ફરીથી ડ્રોન ટેકનોલોજીનો સહારો લઈને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને વેગ આપી રહ્યું છે.
ફોરેન્સિક તપાસ તેજ:
જપ્ત કરવામાં આવેલી નોટોને તાત્કાલિક અસરથી ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે. આ તપાસ દ્વારા નોટોનું પેપર, છાપકામની ગુણવત્તા અને તે ક્યાં છપાઈ છે તે અંગેની મહત્વની કડીઓ મળી શકશે. પાકિસ્તાનની આ બદલાયેલી રણનીતિને પગલે બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં 'હાઈ એલર્ટ' જાહેર કર્યું છે.