ગુજરાત ATSની ગર્જના: ડીસાના ઢાબામાં છુપાયેલો પાકિસ્તાની આકાઓનો 'ખાસ માણસ' ઝડપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવાની દિશામાં એક મોટી સફળતા મળી છે. પંજાબના ચકચારી ગ્રેનેડ સ્મગલિંગ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ અને પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી ગેંગના સક્રિય સભ્ય બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીને બનાસકાંઠાના ડીસા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઓપરેશન પંજાબ પોલીસની ગુપ્ત માહિતીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલ આરોપી બિક્રમજીતસિંઘ મૂળ પંજાબના અમૃતસરનો વતની છે.
ધરપકડથી બચવા માટે બનાસકાંઠાના ડીસામાં પોતાની ઓળખ છુપાવીને એક ઢાબા પર મજૂરીકામ કરી રહ્યો હતો. ગુજરાત ATS એ ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની મદદથી સચોટ લોકેશન મેળવીને ઓચિંતી રેડ કરી હતી, જેમાં આ ખતરનાક શખ્સ આખરે કાયદાના શિકંજામાં આવી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બિક્રમજીતસિંઘ પાકિસ્તાની આતંકવાદી આકાઓ સહેજાદ ભટ્ટી અને આબિદ જટ્ટના સીધા સંપર્કમાં હતો. સહેજાદ ભટ્ટી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે કામ કરતો કુખ્યાત ગેંગસ્ટર છે.
આ આરોપી પાકિસ્તાની આકાઓના નિર્દેશ પર પંજાબમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી બિક્રમજીતસિંઘ પંજાબમાં સ્થાનિક યુવકોને લાલચ આપી ગેંગમાં જોડતો હતો અને તેમને આતંકી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરતો હતો. તેનું મુખ્ય કામ સુરક્ષા દળો તેમજ પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડ હુમલા કરવાનું કાવતરું ઘડવાનું હતું. ગ્રેનેડ સ્મગલિંગના કેસમાં તે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ ગુજરાતમાં તેની સફરનો અંત આવ્યો છે.
હાલમાં ગુજરાત ATS એ આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે જેથી તેના અન્ય સાગરીતો કે નેટવર્ક વિશે વધુ માહિતી મળી શકે. આ ધરપકડ બાદ ગુજરાત ATS દ્વારા તેને પંજાબ પોલીસને સોંપવાની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી પાકિસ્તાની ગેંગસ્ટર અને આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.