પંચમહાલ જિલ્લા પંચાયતમાં નો રીપીટ થિયરી : પંચમહાલ ભાજપનો મોટો દાવ !

પંચમહાલ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટિકિટ ફાળવણીમાં ભાજપે મોટો રાજકીય દાવ રમીને કડક 'નો રિપીટ' થિયરીનો અમલ કર્યો છે. કુલ 38 બેઠકોમાંથી 35 વર્તમાન સભ્યોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
ફક્ત 3 સભ્યો રિપીટ, બે પૂર્વ પ્રમુખોના પત્તા કપાયા
ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદીમાં ગત ટર્મના 38 સભ્યોમાંથી માત્ર 3 જ સભ્યોને ફરીથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. બાકીની 35 બેઠકો પર નવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. ગત ટર્મના બે પૂર્વ પ્રમુખોને પણ પક્ષે આ વખતે ટિકિટ આપી નથી અને તેમને ઘરે બેસાડવાનો કડક નિર્ણય કર્યો છે.
સભ્યોની પત્નીઓ અને સંગઠનના હોદ્દેદારોને ટિકિટ
ટિકિટ વહેંચણીમાં એક તરફ જૂના ઉમેદવારોની બાદબાકી કરવામાં આવી છે, તો બીજી તરફ કેટલાક ચોક્કસ સ્થાનો પર વર્તમાન સભ્યોને સ્થાને તેમની પત્નીઓને ટિકિટ ફાળવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત, આ વખતની ચૂંટણીમાં પક્ષે સંગઠનમાં સક્રિય કામગીરી કરતા હોદ્દેદારોને પણ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
સ્થાનિક રાજકારણમાં બદલાયા સમીકરણો
સંગઠનના નેતાઓને અને સભ્યોની પત્નીઓને ટિકિટ મળતા અંદરખાને ઘણા નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. એકસાથે આટલા બધા સભ્યોની ટિકિટ કપાતા પક્ષમાં આંતરિક અસંતોષ ઊભો થાય તેવી પણ શક્યતાઓ છે. આ મોટા ફેરફારો અને કડક નિર્ણયોથી પંચમહાલ જિલ્લા પંચાયતના રાજકારણમાં નવા રંગ દેખાવાની પૂરી સંભાવના છે.