"વન નેશન, વન ઈલેક્શનની વાતો વચ્ચે એક જિલ્લામાં બે ક્રિકેટ એસોસિએશન કેમ?" : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાના આક્ષેપો...
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે 'વન નેશન, વન ઈલેક્શન' જેવી મોટી નીતિઓની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટ વહીવટની અંધાધૂંધી સામે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આક્ષેપો કર્યા છે. એક જ જિલ્લામાં બે સમાંતર ક્રિકેટ એસોસિએશનો અસ્તિત્વમાં આવતા ખેલાડીઓ ભારે વિમાસણમાં મુકાયા છે. વર્ષ 1960થી કાર્યરત જૂનું અને પરંપરાગત એસોસિએશન હોવા છતાં, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ગત વર્ષે એક નવું ક્રિકેટ એસોસિએશન ઉભું કરવામાં આવ્યું છે. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે ગત 24 તારીખે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના સિલેક્ટરોએ આ નવા એસોસિએશનની મુલાકાત લીધી હતી. આવતીકાલે જ્યારે શશિકાંત પંડ્યાના નેતૃત્વ હેઠળના એસોસિએશન દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું GCA જેવી જવાબદાર સંસ્થા ખાનગી સ્તરે બનેલી સંસ્થાઓમાં પોતાના સિલેક્ટરો મોકલી શકે?
આ મામલે રાજકીય મોરચે પણ આક્ષેપોનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આ મુદ્દે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, જે દેશમાં એક રાષ્ટ્ર અને એક ચૂંટણીની વાતો થતી હોય ત્યાં ગુજરાતમાં એક જિલ્લામાં એક ક્રિકેટ એસોસિએશન સરખું ચલાવી શકાતું નથી. સૌથી મોટો વિરોધાભાસ એ છે કે જય અમિત શાહ જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) જેવી વૈશ્વિક સંસ્થાઓનું નેતૃત્વ કરી રહ્યા હોય, તો ગુજરાતમાં આ બે ક્રિકેટ એસોસિયેશન કઈ રીતે ચાલે છે ? ખેલાડીઓ માટે હવે એ મોટી દુવિધા છે કે કયું એસોસિએશન માન્ય ગણવું અને કઈ પસંદગી પ્રક્રિયા દ્વારા તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે. દાયકાઓ જૂની સંસ્થા સાચી કે નવી સંસ્થા સાચી, તે પ્રશ્ન હાલ ઉત્તર ગુજરાતના ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.