પાટણના ધનાવાડાથી બહુચરાજી જતા પદયાત્રીઓના સંઘને આઈશરની ટક્કર: 2 યુવકોના ઘટનાસ્થળે મોત
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી માતાજીના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ગઈકાલે રાત્રે નવા દેલવાડા પાસે એક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવતા આઈશર ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રવિવારે બપોરે 60 પદયાત્રીઓનો સંઘ દર્શનાર્થે રવાના થયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી રવિવારે બપોરે આશરે 60 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ પગપાળા શંખલપુર અને બહુચરાજી જવા માટે રવાના થયો હતો. સોમવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ જ્યારે આ પદયાત્રીઓનો સંઘ નવા દેલવાડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક આઈશર ટ્રકના ચાલકે પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓ સાથે રહેલો રથ પણ હવામાં ફંગોળાઈને દૂર પડ્યો હતો.
2 આશાસ્પદ યુવકોના મોતથી પંથકમાં ભારે શોક
આ ગમખ્વાર અકસ્માતમાં આઈશરની અડફેટે કુલ 8 પદયાત્રીઓ આવ્યા હતા. જેમાંથી ઠાકોર દલપતજી અને ઠાકોર લાલાજીભાઈ નાગજીભાઈ નામના બે આશાસ્પદ યુવકોને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમના ઘટનાસ્થળે જ મોત થયું હતું. આસ્થાભેર દર્શને જઈ રહેલા બે યુવાનોના અકાળે મોતથી સમગ્ર પંથકમાં અને પદયાત્રીઓમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
5 ગંભીર ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલમાં ખસેડાયા
દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 5 પદયાત્રીઓને તાત્કાલિક બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ નાજુક જણાતા તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામ ઈજાગ્રસ્તોને વધુ સઘન સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ફરાર આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.