April 8, 2026
ગુજરાત

ફર્સ્ટ ટ્રાયબલ ખેલો ઇન્ડિયા ગેમ્સ: નવસારીની પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

07:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ફર્સ્ટ ટ્રાયબલ ખેલો ઇન્ડિયા ગેમ્સ:</span> નવસારીની પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો</strong></p>

છત્તીસગઢના આંગણે યોજાયેલી પ્રથમ ‘ટ્રાયબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સ’ માં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની દીકરી પાયલ રાઠવાએ પોતાની રમતગમતની પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાયલે 100 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતીને રાષ્ટ્રીય ફલક પર નવસારી અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સફળતા બાદ પાયલ પર ચારેબાજુથી અભિનંદનનો વર્ષા થઈ રહ્યો છે.

રાષ્ટ્રીય સ્તરે જળહળતું પ્રદર્શન

છત્તીસગઢ ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશભરના શ્રેષ્ઠ આદિવાસી ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારીના જલાલપોરના મીઠા કુવા વિસ્તારમાં રહેતી પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં અત્યંત રસાકસી વચ્ચે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આટલું જ નહીં, પાયલે પોતાની ઝડપ અને સ્ફૂર્તિનો પરિચય આપતા 200 મીટરની દોડ સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને ઓલ ઇન્ડિયા સ્તરે 5 મો ક્રમ પ્રાપ્ત કરીને સૌને પ્રભાવિત કર્યા હતા.

પાંચ વર્ષની કઠોર મહેનતનું પરિણામ

પોતાની આ જીતનો શ્રેય પાયલે તેના પરિવાર અને માર્ગદર્શકોને આપ્યો છે. વિજય બાદ પ્રતિભાવ આપતા પાયલ રાઠવાએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ મેળવવી મારા માટે આસાન નહોતી. મેં છેલ્લા 4 થી 5 વર્ષથી આ સ્પર્ધા માટે દિવસ-રાત જોયા વગર સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ કરી છે. મારા પરિવાર, કોચ અને મિત્રોના મક્કમ સાથ-સહકાર વિના આ પદક જીતવો અશક્ય હતો. આ મેડલ મારી વર્ષોની તપસ્યા અને સંઘર્ષનું ફળ છે.”

ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું લક્ષ્ય

પાયલની આ અસાધારણ સફળતાથી જલાલપોર અને સમગ્ર નવસારી જિલ્લામાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ભવિષ્યની યોજનાઓ અંગે આશાવાદ વ્યક્ત કરતા પાયલે વધુમાં ઉમેર્યું હતું કે, “મારો ઉદ્દેશ્ય માત્ર રાષ્ટ્રીય સ્તરે અટકી જવાનો નથી. હું આગામી સમયમાં વધુ સખત મહેનત કરવા તૈયાર છું જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશ માટે મેડલ જીતી શકું અને નવસારીનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કરી શકું.”

પાયલ રાઠવા જેવી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની પ્રતિભાઓ જ્યારે રાષ્ટ્રીય મંચ પર ચમકે છે, ત્યારે તે વિસ્તારના અન્ય ઉગતા ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બને છે. આગામી દિવસોમાં નવસારીના રમતગમત સત્તાવાળાઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાયલનું વિશેષ સન્માન કરવામાં આવે તેવી પણ શક્યતા છે, જે જિલ્લામાં રમતગમતના વાતાવરણને વધુ વેગ આપશે.