પેટ્રોલ ભરાવવા સામાન્ય વ્યક્તિ લાઈનમાં, શહેરનાં લોકોમાં ચિંતા હવે શું થશે ? દરેક પંપ પર લાંબી લાઈન...
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાતા હાહાકાર મચી ગયો છે. સતત આવતી રજાઓને કારણે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ડેપોમાંથી સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા અને લોકમુખે એવી અફવા વાયુવેગે ફેલાઈ હતી કે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે અથવા તો મોટો સ્ટોક ખૂટી પડવાનો છે. આ અફવાને કારણે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો અને પરિણામે શહેરના પેટ્રોલ પંપ પર લોકોનો દરિયો ઉમટ્યો હતો. અગમચેતીના ભાગરૂપે લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી છે. પેટ્રોલ ભરાવવા સામાન્ય વ્યક્તિ લાઈનમાં ઊભા રહ્યાં છે. તો બીજી બાજુ શહેરનાં લોકોમાં ચિંતા છે કે હવે શું થશે... 
ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ પહોંચી વળવા માટે ટૂંકા પડ્યા હતા. એક પંપ પર તો સ્થિતિને કાબૂમાં લેવા અને ગ્રાહકોને વહેલી તકે ઈંધણ મળી રહે તે માટે વધુ કર્મચારીઓ મેદાનમાં ઉતરીને પેટ્રોલ ભરવાની કામગીરી સંભાળવી પડી હતી. મળતી માહિતી મુજબ, બીજી તરફ, પકવાન ચાર રસ્તા નજીક આવેલા કેટલાક પંપો પર સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ જતાં સંચાલકોએ 'નો સ્ટોક' ના બોર્ડ મારી વેચાણ બંધ કરી દેવાની ફરજ પડી છે.
કાળઝાળ ગરમીમાં એક પંપથી બીજા પંપ સુધી ભટકી રહેલા વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઘણા નોકરિયાત વર્ગના લોકો તો ઓફિસે જવાનું માંડી વાળીને અથવા રજા લઈને પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહી પેટ્રોલ ભરાવતા જોવા મળ્યા હતા.