પીજમાં પીવાના પાણી મુદ્દે પંચાયત કચેરીએ માટલા ફોડી ઉંદરની 'સ્મશાન યાત્રા' કાઢી
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીજ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆતમાં જ ગામમાં પાણી પુરવઠો ખોરવાતા ગૃહિણીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગામમાં 12 જેટલા પંચાયતી બોર અને 4 વિશાળ પાણીની ટાંકીઓ ઉપલબ્ધ હોવા છતાં, તંત્રના નબળા આયોજનને કારણે લોકો ટીપે-ટીપે પાણી માટે તરસી રહ્યા છે. પાણીની તંગીને પગલે ગ્રામજનોએ પંચાયત પાસે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ટેન્કરની માંગણી કરી હતી. પંચાયત દ્વારા મોકલાયેલા ટેન્કરમાંથી ગ્રામજનોએ પાણી ભરી લીધા બાદ, જ્યારે ટેન્કર ખાલી થવા આવ્યું ત્યારે અંદરથી મરેલો ઉંદર નીકળતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, કારણ કે અનેક લોકોએ આ દૂષિત પાણીનો વપરાશ કરી લીધો હતો.તંત્રની ઘોર બેદરકારીથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં પંચાયત કચેરીએ ઉમટી પડ્યા હતા. લોકોએ પંચાયત વહીવટ સામે ફિટકાર વરસાવતા મરેલા ઉંદરની પ્રતિકાત્મક 'સ્મશાન યાત્રા' કાઢી હતી. ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં માટલાં અને ડોલ ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું.
બીજી તરફ, ગામના સરપંચ શીતલબેન તડવીએ આ ઘટના અંગે બચાવ કરતા જણાવ્યું હતું કે, પાણીનો વાલ્વ જામ થઈ જવાથી વિતરણમાં સમસ્યા સર્જાઈ છે, જેનું સમારકામ ચાલુ છે. તેમણે ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટનાને શંકાસ્પદ ગણાવી હતી અને દાવો કર્યો હતો કે આ પંચાયતને હેરાન કરવા માટેનું કોઈનું પૂર્વ આયોજિત કૃત્ય હોઈ શકે છે. તેમણે આ મામલે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત પાસે કોઈ ચોક્કસ મેનેજમેન્ટ નથી. સમયસર સમારકામ અને ટાંકીઓની સફાઈ ન થવાને કારણે ઉનાળાના પ્રારંભે જ પીજ ગામ તરસ્યું રહ્યું છે અને હવે દૂષિત પાણીના કારણે રોગચાળાની દહેશત વધી છે.
પીજ ગામના લોકોએ આ ઘટનાને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી છે અને માત્ર હંગામી વ્યવસ્થા નહીં, પરંતુ પાણી પુરવઠાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં શુદ્ધ અને પૂરતું પાણી પૂરૂ પાડવામાં નહીં આવે, તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હાલમાં આ ઘટનાને પગલે સમગ્ર નડિયાદ પંથકમાં ચર્ચા જાગી છે.