PM મોદીની CCS બેઠક: પશ્ચિમ એશિયા યુદ્ધ વચ્ચે ભારતની સુરક્ષા તૈયારી અંગે સમીક્ષા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અને સ્થાનિક અસરોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિની એક વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના સામાન્ય નાગરિકોને યુદ્ધની આર્થિક અસરોથી બચાવવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે વિવિધ મંત્રાલયો દ્વારા લેવાયેલા પગલાંની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
સામાન્ય નાગરિકોની સુરક્ષા અને અફવાઓ પર રોક
આ મુદ્દે યોજાયેલી આ બીજી ખાસ CCS બેઠક હતી. પ્રધાનમંત્રીએ દેશમાં આગામી ખરીફ અને રવિ ઋતુ માટે ખાતર તેમજ અન્ય આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે તમામ સંબંધિત વિભાગોને નિર્દેશ આપ્યો કે વૈશ્વિક સંઘર્ષની અસરથી નાગરિકોને બચાવવા તમામ શક્ય પગલાં લેવામાં આવે. વધુમાં, યુદ્ધના માહોલ વચ્ચે ખોટી માહિતી અને અફવાઓ ફેલાતી રોકવા માટે જનતા સુધી સાચી અને અધિકૃત માહિતી સમયસર પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
LPG ના ભાવ યથાવત્, સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી
બેઠક દરમિયાન કેબિનેટ સચિવે પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને LNG અને LPG ના પુરવઠા અંગે માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરેલુ વપરાશકારો માટે LPG ના ભાવમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. એલપીજીની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કૃષિ, ઉડ્ડયન, શિપિંગ, લોજિસ્ટિક્સ અને MSME ક્ષેત્રે ઊભા થતા પડકારોને પહોંચી વળવા બળતણ ડ્યુટીમાં ઘટાડો અને ગેસ પુરવઠાના વૈવિધ્યકરણ અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી.
ઉનાળામાં પૂરતી વીજળી અને PNG નું વિસ્તરણ
ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 7 થી 8 GW ક્ષમતા ધરાવતા ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને ગેસ પૂલિંગ મિકેનિઝમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, થર્મલ પાવર સ્ટેશનો પર કોલસાનો પૂરતો જથ્થો જાળવી રાખવા માટે રેકની સંખ્યા વધારવા જેવા નિર્ણયો લેવાયા છે. સરકારે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનના વિસ્તરણને પણ વધુ ઝડપી બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.
ભાવ નિયંત્રણ માટે કંટ્રોલ રૂમ અને રાજદ્વારી પ્રયાસો
સરકારે માહિતી આપી હતી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંકલનથી આવશ્યક ચીજવસ્તુઓ, કૃષિ ઉત્પાદનો, શાકભાજી અને ફળોના ભાવો પર સતત દેખરેખ રાખવા કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત, ઊર્જા અને ખાતર માટે વૈશ્વિક પુરવઠા શૃંખલાના નવા વિકલ્પો શોધવા તથા હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક જળમાર્ગો પરથી માલવાહક જહાજોની સુરક્ષિત અવરજવર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો પણ સઘન બનાવવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સરકાર સ્થિતિ પર સતત નજર રાખીને યોગ્ય પગલાં લેતી રહેશે.