April 1, 2026
ગુજરાત

આવતીકાલે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ આપશે PM મોદી : ₹19,800 કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ સાથે સેમિકન્ડક્ટર ક્રાંતિનો થશે ઉદય...

01:39:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આવતીકાલે ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ આપશે PM મોદી :</strong></span> ₹19,800 કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ સાથે સેમિકન્ડક્ટર ક્રાંતિનો થશે ઉદય...</p>

આવતીકાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની ધરતી પર વિકાસનો મહારંભ થવા જઈ રહ્યો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આ મુલાકાત દરમિયાન સાણંદ, ગાંધીનગર અને ડીસા સહિતના વિસ્તારોમાં ₹19,806.9 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ માત્ર માળખાગત સુવિધાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ટેકનોલોજી, આધ્યાત્મિકતા અને સામાજિક ઉત્થાનનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળશે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આકાર પામેલા આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા, રેલવે, માર્ગ પરિવહન, આરોગ્ય અને પ્રવાસન જેવા પાયાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વાવ-થરાદ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ યોજનાઓ જનતાને સમર્પિત કરવામાં આવશે.

વડાપ્રધાનના પ્રવાસનો પ્રારંભ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ગાંધીનગરના કોબા ખાતેથી થશે. અહીં જૈન ઇતિહાસને સમર્પિત અને આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી નિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરવામાં આવશે. અહિંસાના વૈશ્વિક સંદેશને ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનેલા આ મ્યુઝિયમમાં 5મી સદીની દુર્લભ મૂર્તિઓથી લઈને મુઘલ સમ્રાટ અકબરના અસલ ફરમાન સુધીનો ઐતિહાસિક ખજાનો સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરાયો છે. આ પ્રદર્શન પીએમ મોદીના ‘વારસો અને વિકાસ’ના વિઝનને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદ, પીએમ મોદી ભારતને ટેકનોલોજીના નકશા પર અગ્રેસર કરવા સાણંદમાં ₹3300 કરોડના ખર્ચે તૈયાર થયેલા કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ દરરોજ 60 લાખ ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે અને તે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) સુવિધા તરીકે કાર્ય કરશે, જે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અભિયાન માટે માઈલસ્ટોન સાબિત થશે.

બનાસકાંઠાના વાવ-થરાદમાં આયોજિત વિશાળ જનસભા PM મોદીના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ રહેશે, જ્યાં તેઓ ₹19,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની જાહેરાત કરશે. તેમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના પ્રોજેક્ટ્સ અને હિંમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ સામેલ છે. સામાજિક સ્તરે પણ PM મોદીએ મોટું પગલું ભર્યું છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 24 જિલ્લાના અંદાજે 39,000 જેટલા ગરીબ પરિવારોને તેમના સપનાના ઘરમાં સામૂહિક ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. આ સાથે અમદાવાદના શહેરી વિકાસ માટે ખારીકટ કેનાલ અને સુભાષબ્રિજ પાસે નવા બ્રિજ જેવી સુવિધાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આમ, PM મોદીનો આ પ્રવાસ ગુજરાતને આધુનિકતાના પથ પર આગળ ધપાવવાની સાથે સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં પણ મોટો સુધારો લાવશે.