March 31, 2026
ગુજરાત

ગાંધીનગરથી વાવ-થરાદ સુધી : PM મોદીના ગુજરાત પ્રવાસની પળે-પળની અપડેટ્સ વિશે જાણો... 

09:15:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>ગાંધીનગરથી વાવ-થરાદ સુધી : <span style="color: rgb(0, 0, 0);">PM મોદીના ગુજરાત પ્રવાસની પળે-પળની અપડેટ્સ વિશે જાણો...&nbsp;</span><br></strong></span></p>

આજે ભગવાન મહાવીર જયંતીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લઈને રાજ્યના વિકાસને નવી ગતિ આપી છે. વડાપ્રધાને દિવસની શરૂઆત ગાંધીનગરના કોબા સ્થિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ના ઉદ્ઘાટનથી કરી હતી, જ્યાં તેમણે જૈન ધર્મના સમૃદ્ધ વારસા અને અહિંસાના મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કરતા આ અદ્યતન સંગ્રહાલયને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. ત્યારબાદ, સાણંદ ખાતે દેશના બીજા ક્રમના સૌથી મોટા 'કેન્સ સેમિકોન પ્લાન્ટ'નું લોકાર્પણ કરીને તેમણે ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં મજબૂત કદમ માંડ્યું છે. આ મુલાકાતના અંતિમ ચરણમાં PM મોદીએ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતેથી વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. 

વિકાસની રફ્તાર : PM મોદીએ ગુજરાતને આપી ₹19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઐતિહાસિક ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવ-થરાદની મુલાકાતે પહોંચ્યા હતા. આજે વડાપ્રધાને કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ ₹5100 કરોડના ખર્ચે તૈયાર થયેલ 109 કિમી લાંબો 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8) રહ્યો છે, જેને PMએ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ આધુનિક હાઈવેના નિર્માણથી પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે, કારણ કે હવે અમદાવાદથી ધોલેરા વચ્ચેનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગર સુધીનું અંતર માત્ર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.

Live updates : સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ મોદી વાવ-થરાદ જવા રવાના થયા છે. 

Live updates : PM મોદીએ આ સિદ્ધિને દરેક ભારતવાસી માટે ગર્વની ક્ષણ ગણાવી... 
ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર અંકિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં કેઇન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગર્વ સાથે જણાવ્યું કે સાણંદ અને ધોલેરા અત્યારે ખૂબ જ ઝડપથી 'સેમિકોન વેલી' બનવા તરફ આગળ વધી રહ્યા છે. ગત મહિને માઇક્રોનના પ્લાન્ટમાં ઉત્પાદનની શરૂઆત થયા બાદ હવે કેઇન્સ ટેકનોલોજીના પ્લાન્ટથી ભારતના આ ક્ષેત્રના પ્રયાસોને મોટું બળ મળ્યું છે. PM મોદીએ આ સિદ્ધિને દરેક ભારતવાસી માટે ગર્વની ક્ષણ ગણાવી હતી અને ભારતીય કંપનીઓના આ ક્ષેત્રમાં વધતા રસને બિરદાવ્યો હતો. 

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સાણંદ, ધોલેરા આજે સેમિકોન વેલી તરફ આગળ વધી રહ્યું છે.આ માત્ર સંયોગ નથી. ભારત સેમી કંડકટર ક્ષેત્રમાં કેટલું આગળ વધી રહ્યું છે.ભારતની કંપનીએ સેમી કંડકટર ચિપ બનાવવા રસ દાખવ્યો અને પરિણામ સામે છે. જેનાથી હું ખુશ છું. દરેક ભારતવાસી માટે ગર્વની ક્ષણ છે.દુનિયાને એક સેમી કંડકટર સપ્લાય ચેન આપવા જઈ રહી છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ ને ચરિતાર્થ કરે છે.

વડાપ્રધાને ખાસ નોંધ્યું હતું કે સાણંદમાં તૈયાર થનારી ચિપ્સ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં નિકાસ થશે અને કેલિફોર્નિયાની કંપનીઓ માટેનો પ્રથમ જથ્થો તો અત્યારથી જ બુક થઈ ગયો છે, જે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચેના નવા મજબૂત બ્રિજ સમાન છે.

કોરોના કાળના પડકારોને યાદ કરતા PM મોદીએ જણાવ્યું કે સપ્લાય ચેનની અનિશ્ચિતતાઓને દૂર કરવા ભારતે 2021માં 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' શરૂ કર્યું હતું, જે હેઠળ આજે દેશના 6 રાજ્યોમાં ₹1.60 લાખ કરોડના કામો કાર્યરત છે. સરકાર હવે મિશન 2.0 તરફ આગળ વધી રહી છે. સેમિ કંડકટર ચિપ ઉત્પાદનમાં આધુનિક માઇક્રો પ્રોસેસર વિકસિત કર્યું છે. જેનાથી 5g તેમજ અનેક સેક્ટર માટે સુરક્ષિત પ્લેટફોર્મ મળ્યું છે.આખી ઈકો સિસ્ટમ જરૂર પડશે ત્યારે ટ્રેનિંગ સેન્ટરની પણ શરૂઆત થશે. 400 યુનિવર્સિટી અને સ્ટાર્ટઅપને ડિઝાઇન તૈયાર કરવા મંજૂરી આપી છે.

આગામી દાયકાના અંત સુધીમાં ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 100 બિલિયન ડોલર (અંદાજે ₹9 લાખ કરોડ)ને પાર કરી જશે તેવી આશા વ્યક્ત કરતા વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે, અમારો મુખ્ય લક્ષ્યાંક દેશની જરૂરિયાતની તમામ ચિપ્સનું ઉત્પાદન ભારતમાં જ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Live updates : ભારત બનશે ગ્લોબલ ચિપ મેકર : 2028 સુધીમાં ધોલેરામાં દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ થશે કાર્યરત

ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવાના મિશન વેગ પકડ્યો છે, જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 28 ફેબ્રુઆરીએ પ્રથમ અને 31 માર્ચે બીજા પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ, હવે આગામી જુલાઈમાં ત્રીજો પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યો છે. વર્ષ 2026 સુધીમાં દેશમાં કુલ 4 પ્લાન્ટ અને 2027 સુધીમાં વધુ બે પ્લાન્ટ સજ્જ થઈ જશે, જ્યારે વર્ષ 2028માં ગુજરાતના ધોલેરા ખાતે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ તૈયાર થઈ જશે જે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાશે.

વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા માટે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં પરંતુ માનવ સંસાધન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે હાલ 60,000 એન્જિનિયરોને આ ખાસ ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં જ સેમિકન્ડક્ટરની ડિઝાઇન તૈયાર થઈ રહી છે, જે દેશને આત્મનિર્ભર બનાવશે. આ લાંબા ગાળાના રોડમેપ મુજબ, ભારત વર્ષ 2032 સુધીમાં વિશ્વના ટોપ-6 સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવશે અને વર્ષ 2047 સુધીમાં ભારત આ ક્ષેત્રમાં વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય ધરાવે છે.

Live updates : PM મોદીએ સાણંદમાં કેઇન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના અત્યાધુનિક 'આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ' (OSAT) પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. એક જ મહિનામાં રાજ્યમાં આ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવો એ દર્શાવે છે કે ગુજરાત હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં દૈનિક અંદાજે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જે આગામી સમયમાં માઇક્રોનના ઉત્પાદન સાથે મળીને દરરોજ 70 લાખ ચિપ્સની ક્ષમતા સુધી પહોંચશે. સાણંદમાં કાર્યરત થનારા કુલ ત્રણ પ્લાન્ટ્સ પૈકીનો આ મહત્વનો હિસ્સો છે, જ્યારે ધોલેરામાં ટાટા-PSMCનો વિશાળ પ્રોજેક્ટ પણ પાઈપલાઈનમાં છે. વડાપ્રધાનની આ મુલાકાતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતાના નવા આયામો સર કરી રહ્યું છે.

આ અગાઉ દિવસની શરૂઆત આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના સન્માન સાથે થઈ હતી. પીએમ મોદીએ મહાવીર જયંતીના પવિત્ર અવસરે ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ટોરેન્ટ ગ્રુપના માલિક અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા જેવા દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન સાણંદના ઔદ્યોગિક પટ્ટામાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશના ડિજિટલ ભવિષ્યના પાયા સમાન સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો હતો.

વિકાસની આ હારમાળા માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત નથી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આજે ગુજરાતે મોટી છલાંગ લગાવી છે. વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી આશરે 19,806.9 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ પેકેજમાં સૌથી મહત્વનું આકર્ષણ 5,100 કરોડના ખર્ચે તૈયાર થયેલો 109 કિમી લાંબો 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8) છે. આ હાઈવે કાર્યરત થવાથી અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર પોણા બે કલાકમાં કાપી શકાશે, જે સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક ચિત્રને બદલી નાખશે. એક તરફ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન અને બીજી તરફ બુલેટ ગતિએ દોડતા એક્સપ્રેસ-વે, આ બંને પાસાઓ ગુજરાતને વિશ્વના નકશા પર એક મજબૂત આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

Live updates : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાણંદ પહોંચ્યા

સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન સેમી કંડકટર પ્લાન્ટના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા છે. 

Live updates : ‘અડધા સાધુ, અડધા ગૃહસ્થ’: આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વને બિરદાવ્યું

રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાદગી અને કર્તવ્યનિષ્ઠાના મુક્તકંઠે વખાણ કરતા તેમને 'અડધા સાધુ અને અડધા ગૃહસ્થ' ગણાવ્યા છે. મહાકલ્યાણક વર્ષના પાવન પ્રસંગે વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ હર્ષ વ્યક્ત કરતા આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, દેશને આવા ચારિત્રવાન અને સ્પષ્ટ લક્ષ્ય ધરાવતા નેતા મળ્યા છે તે પ્રજાનું મોટું સૌભાગ્ય છે. તેમણે વડાપ્રધાનના જીવનમાં રહેલી ત્યાગ અને સેવાની ભાવનાને રેખાંકિત કરતા કહ્યું કે, મોદીજીનું જીવન અને તેમની સાદગી દરેક માટે સમજવા જેવી છે, જેમણે પ્રજાના ઉત્થાન માટે અવિરત કાર્ય કર્યું છે.

વધુમાં, આચાર્યશ્રીએ વૈશ્વિક ફલક પર ભારતની બદલાયેલી છબીનો શ્રેય વડાપ્રધાનને આપતા નોંધ્યું હતું કે, આજે આખી દુનિયા ભારત તરફ આશાભરી નજરે જોઈ રહી છે. યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિઓમાં પણ શાંતિનો સંદેશ ફેલાવીને વડાપ્રધાને વિશ્વને નવી દિશા ચીંધી છે. વર્ષો પછીની આ મુલાકાત દરમિયાન તેમણે ભારતના વિકાસની હરણફાળને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ ખરા અર્થમાં પ્રજાના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અંતમાં, આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ વડાપ્રધાનને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી.

વર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસ, સાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી : PM મોદી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી કોબા જૈન તીર્થના સાનિધ્યમાં અભ્યાસ, સાધના અને આત્મ-શિસ્તની પરંપરાઓ વિકસી રહી છે. અહી મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનના પોષણનો 'ત્રિવેણી' સંગમ રચાય છે, જે ભારતીય સભ્યતાનો પાયો છે. આ ત્રિવેણીને અવિરત વહેતી રાખવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. વડાપ્રધાનએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતનો સમૃદ્ધ વારસો હવે જૈન હેરીટેજ મ્યુઝિયમ દ્વારા આવનારી સદીઓ માટે સાચવવામાં આવી રહ્યો છે. જે નવી પેઢીને સતત પ્રેરણા આપતો રહેશે. આ મ્યુઝિયમ જૈન દર્શન, ભારતીય સંસ્કૃતિ અને આપણા પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર છે.

આ સંગ્રહાલયના સર્જનમાં સહયોગ આપનાર તમામ જૈન મુનિઓ અને સમર્પિત નાગરિકોને વડાપ્રધાનએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમ્રાટ સંપ્રતિના ઐતિહાસિક મહત્વ વિશે કહ્યું હતું કે, ઘણી સંસ્કૃતિઓએ મહાન ચિંતકો અને દાર્શનિકો આપ્યા છે. જ્યારે સવાલ સત્તા અને સત્યનો હોય છે, ત્યારે અનેક શાસકોએ સત્તા લાલસા માટે આદર્શો અને મૂલ્યોને બાજુમાં મૂકી દીધા હતા, જેથી વિચાર અને વ્યવહાર વચ્ચે ખાઈ વધી ગઈ. તેમણે કહ્યું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર ઐતિહાસિક રાજા ન હતા પરંતુ ભારતના દર્શન અને અભ્યાસને જોડતો સેતુ હતા. 

વડાપ્રધાનએ સંગ્રહાલયની ભવ્યતા વિશે જણાવ્યું હતું કે, અહી આવેલી સાત ગેલેરીઓ રાષ્ટ્રની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવે છે. જેમાં નવપદ એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સાથે તીર્થંકરોની વાર્તાઓ અને ઉપદેશોને કલાત્મક રીતે જીવંત કરે છે. તેમણે કહ્યું કે, જ્યારે જ્ઞાન 'સમ્યક' હોય છે, ત્યારે તે સમભાવ અને સેવાનો પાયો બને છે.

આ મ્યુઝિયમ જૈન વારસાની સાથે ભારતની અન્ય ધાર્મિક પરંપરાઓ - વૈદિક, બૌદ્ધ અને અન્યનું પણ ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરે છે. વેદ, પુરાણ, આયુર્વેદ, યોગ અને દર્શનની સુમેળપૂર્વકની પ્રસ્તુતિ તમામ પરંપરાઓના મેઘધનુષને એકસાથે રજૂ કરે છે. આ માત્ર ભારતમાં જ થઈ શકે છે. 

પ્રવર્તમાન વૈશ્વિક અસ્થિરતા અને અશાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું હતું કે, આ સંગ્રહાલયમાં સ્થાપિત વારસો અને સંદેશ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. વિશ્વભરમાંથી મહત્તમ જિજ્ઞાસુ મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અને રિસર્ચર આ સંગ્રહાલયની મુલાકાતે આવે અને તેઓ ભારત અને જૈન ધર્મના શાંતિના ઉપદેશોને વિશ્વના ખૂણે-ખૂણે લઈ જાય તેવો વડાપ્રધાનએ અનુરોધ કર્યો હતો. 

વડાપ્રધાનએ કહ્યું હતું કે, દેશની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા લાખો હસ્તપ્રતોથી ભરેલી હતી, જેને ધાર્મિક સંકુચિતતાથી પ્રેરાઈને વિદેશી આક્રમણકારો દ્વારા નાશ કરવામાં આવી હતી. તે મુશ્કેલ સમયમાં સામાન્ય લોકોએ પેઢી દર પેઢી બાકીની હસ્તપ્રતો સાચવી રાખી હતી. આવી હસ્તપ્રતોને આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે 60 વર્ષ પદવિહાર કરીને દેશના ખૂણે-ખૂણે હસ્તપ્રતોની શોધમાં વિતાવ્યા હતા. તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો, જેમાંથી કેટલીક સેંકડો વર્ષ જૂની છે, જે આ મ્યુઝિયમમાં સુરક્ષિત રીતે સંકલિત છે, જે ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે પ્રેરક સ્મારક સમાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

હસ્તપ્રતોના જતન માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે, અગાઉની સરકારોની સાપેક્ષમાં વર્તમાન સરકાર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રાચીન હસ્તપ્રતોનું ડિજિટાઈઝેશન, વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ, સ્કેનિંગ, કેમિકલ ટ્રીટમેન્ટ અને ડિજિટલ આર્કાઈવિંગ માટે 'જ્ઞાન ભારતમ મિશન' શરૂ કરવામાં આવ્યું છે. તેમણે 'મન કી બાત' માં આ અંગેનો ઉલ્લેખ કર્યો, જેના પરિણામે નાગરિકો તેમની પાસે સચવાયેલી હસ્તપ્રતો અપલોડ કરવા સક્ષમ બન્યા. આ અભિયાન દેશના દરેક ખૂણે વિખરાયેલી હસ્તપ્રતો એકત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, એમ વડાપ્રધાનએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આજે દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવા, સમજવા અને પ્રદર્શિત કરવાના પ્રયાસો પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધાર અને તીર્થસ્થાનોના વિકાસથી લઈને આયુર્વેદ અને યોગના પ્રચાર સુધી દરેક સ્તરે ચાલી રહ્યા છે. લોથલ ખાતેના વિશ્વના સૌથી મોટા ભવ્ય મેરીટાઇમ મ્યુઝિયમ, વડનગર ખાતેના મ્યુઝિયમ અને દિલ્હીમાં આગામી 'યુગે યુગીન ભારત મ્યુઝિયમ' સહિતના મહત્વના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ભારતની સ્વતંત્રતા સંગ્રામના સાચા ઇતિહાસને રાજકીય પૂર્વગ્રહથી મુક્ત રીતે બહાર લાવવા માટે અર્થપૂર્ણ અને વ્યાપક કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે વારસાને રાજકીય લેન્સથી જોવાની માનસિકતાનો અંત લાવ્યો છે અને 'સબકા સાથ, સબકા વિકાસ' ના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ, જે વિકસિત ભારતના વિઝનનો આત્મા છે.

વડાપ્રધાને ભારતના વારસાને સાચવવા માટે સંતોના અથાક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં ઐતિહાસિક 'નવકાર મહામંત્ર દિવસ' કાર્યક્રમને યાદ કર્યો હતો, જ્યાં જૈન સંપ્રદાયો એકઠા થયા હતા. તેમણે તે પ્રસંગે આપેલા 10 સંકલ્પોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પાણી બચાવવું, એક પેડ મા કે નામ, સ્વચ્છતા અભિયાન, વોકલ ફોર લોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી, યોગ અને રમતગમત, ગરીબોને મદદ કરવી અને 10મો સંકલ્પ જે સમુદાય દ્વારા જ ઉમેરવામાં આવ્યો છે તે ભારતના વારસાનું જતન કરવું. 

વડાપ્રધાનએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે, આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસે કોબા ખાતેનો કાર્યક્રમ જડોથી જોડાવાનો છે, જ્યારે સાણંદ ખાતેનો બીજો કાર્યક્રમ જગત સાથે જોડાવાનો છે. સાણંદમાં જઈને વિશ્વમાં આધુનિકમાં આધુનિક ટેકનોલોજી થકી સેમિકંડક્ટર ચિપ નિર્માણ ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે, જે આપણા માટે ગૌરવ સમાન છે.

Live updates :  વડાપ્રધાન મોદીએ ધર્મ અને સંસ્કૃતિના ગૌરવની નવી પરંપરા સ્થાપિત કરી - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના જન્મદિન નિમિત્તે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આપણી સંસ્કૃતિ, ધર્મ અને વિરાસતના ગૌરવની પરંપરા પ્રસ્થાપિત કરી છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં આ વર્ષ ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનઃજાગરણનું વર્ષ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી એક હજાર વર્ષની અટલ આસ્થા અને પુનરુત્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત વડાપ્રધાનની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. તેમના નેતૃત્વમાં ધર્મ, આસ્થા અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ તથા વિરાસતોનું ગૌરવ થઈ રહ્યું છે, તેનો વધુ એક પુરાવો આ ભારત વિરાસત મહોત્સવ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં કેન્દ્ર સરકારે ‘જ્ઞાન ભારતમ મિશન’ લોન્ચ કરીને લાખો પ્રાચીન પાંડુલિપિઓનું ડિજિટાઈઝેશન અને સંરક્ષણનું મહાન કાર્ય કર્યું છે. પ્રાકૃત અને પાલીમાં સંગ્રહાયેલું જૈન સાહિત્ય ગહન વિચારોનો ખજાનો ધરાવે છે. વડાપ્રધાનએ પાલી અને પ્રાકૃત ભાષાઓને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એટલું જ નહિ, તેમની પ્રેરણાથી સંસદના પ્રવેશદ્વાર પર સમેતશિખરનું ચિત્રણ હોય કે વિદેશની ધરતી પરથી પ્રાચીન તીર્થંકરોની મૂર્તિઓ દેશમાં પરત લાવવાની વાત હોય, આવી અનેક સફળતાઓથી તેમણે જૈન દર્શન ઉજાગર કર્યું છે. જૈન ધર્મ કેવળ ઐતિહાસિક જ નથી, પણ ખૂબ ગહન અને દરેક કાળમાં પ્રસ્તુત પણ છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો જ વિશ્વને શાંતિનો રાહ દર્શાવી શકે એમ છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. 

વધુમાં, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાનએ જે લોકાર્પણ કર્યું છે તે “સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ” જૈન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની જીવંત ઝાંખી દર્શાવતું એક દર્શનીય સ્થાન બનશે. કોબા જૈન તીર્થક્ષેત્રના વિશાળ વિસ્તારમાં નિર્માણ થયેલા આ મ્યુઝિયમમાં લગભગ બે હજારથી વધુ દુર્લભ પ્રાચીન અવશેષો, હસ્તપ્રતો અને કલાત્મક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મ્યુઝિયમને આધુનિક સ્થાપત્ય સાથે આપણી વિરાસતને ધબકતી રાખતું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવ્યુ અને ઉમેર્યું હતું કે, આ માત્ર સંગ્રહાલય નથી, પરંતુ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચેનો મજબૂત સેતુ છે, જે ઇતિહાસ અને આધ્યાત્મિક અનુભૂતિને જોડે છે. અહીં સાત ગેલેરીઓમાં જૈન ધર્મના વિકાસને કાળક્રમ અનુસાર રજૂ કરવામાં આવ્યો છે. આ સ્થળ વર્તમાન અને આવનારી પેઢીઓ માટે જૈન ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિને ચિરંજીવ રાખવાની પ્રેરણા આપનારૂં કેન્દ્ર બનશે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જૈન પ્રાર્થનાના કેન્દ્રમાં રહેલો નવકાર મંત્ર એ પવિત્ર ઉચ્ચારોનો સંચય છે, ઊર્જા, સ્થિરતા અને પ્રકાશનો લયબદ્ધ પ્રવાહ છે, તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે દેશભરમાં નવકાર મહામંત્રનું આયોજન થયું હતું. વડાપ્રધાનએ આ નવકાર મહામંત્રના દિવસે રાષ્ટ્ર વિકાસ માટે નાગરિક હિતના નવ સંકલ્પો આપ્યા હતા. આ નવ સંકલ્પો જૈન ધર્મના સિદ્ધાંતો અને સુમેળભર્યા ભવિષ્યની દ્રષ્ટિએ આજે પણ ખૂબ જ સુસંગત છે. આપણે સૌ આ નવ સંકલ્પોને આપણા રોજીંદા જીવનનો ભાગ બનાવીએ. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકસિત ભારત 2047ના નિર્માણ માટે વિરાસતોના ગૌરવ અને સન્માન સાથેનું વિકસિત ગુજરાત બનાવવાની નેમ મુખ્યમંત્રી વ્યક્ત કરી હતી.

Live updates : જૈન શાસનની આન, બાન અને શાનનું પ્રતીક છે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' : હર્ષ સંઘવી

મહાવીર જન્મકલ્યાણકના પવિત્ર અવસરે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કોબા ખાતે પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પિત થયેલા 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'ને લઈને ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ માત્ર એક ઈમારત નથી, પરંતુ તે જૈન શાસનની આન, બાન અને શાનનું પ્રતીક છે. મહાવીર જન્મકલ્યાણકના આ વિશેષ વર્ષમાં આ સંગ્રહાલયનું લોકાર્પણ થવું એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. હર્ષ સંઘવીએ આ મ્યુઝિયમને સાંસ્કૃતિક ગરિમા અને જૈન ધર્મના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતું એક અદ્ભુત કેન્દ્ર ગણાવી તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. 

વધુમાં જણાવ્યુ હતું કે, ગુરુ ભગવંતોએ ભારે ગરમીમાં વિહાર અને શેત્રુંજયની યાત્રામાં પડતી તકલીફોમાં વડાપ્રધાને દિશા આપી એટલું જ નહીં, ગુરુ ભગવંતો માટે કેટલું કામ કર્યું તેની પણ ઉઘરાણી કરવાનો હું સાક્ષી રહ્યો છું. શેત્રુંજ્ય પર્વતની દાદરાની બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો વાવવાની પણ પ્રેરણા આપી.

સંઘવીએ વિશેષ ભારપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જૈન સમાજ માટે પર્વતાધિરાજ શેત્રુંજય પર્વત જેવી આધ્યાત્મિક ભૂમિ પર, જ્યાં ગુરુ ભગવંતો વર્ષોથી વિહાર કરે છે, ત્યાં સુવિધાઓ વધુ મજબૂત બને તેવો સરકારે હંમેશા પ્રયાસ રહ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે જ તેમણે તીર્થધામો પર 'તીર્થ વન' બનાવવાની શરૂઆત કરી હતી. આજે પાલિતાણા અને ગિરિરાજ પર્વતની પવિત્રતા જળવાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ મ્યુઝિયમ સંસ્કાર અને શિક્ષણનું કેન્દ્ર બનશે એમ જણાવી આ પ્રયાસ બદલ સંઘવીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Live updates : સુધીર મહેતાએ કોબામાં અઢી લાખથી વધુ હસ્તપ્રતોના જતન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ટોરેન્ટ ગ્રુપના માલિક સુધીર મહેતાએ મહાવીર જયંતીના પવિત્ર અવસરે તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરી સૌને શુભેચ્છા પાઠવી હતી. કોબા સ્થિત જ્ઞાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અહીં ત્રણ લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતો સુરક્ષિત છે, જે વિશ્વનો સૌથી મોટો સમ્રાટ સંગ્રહ માનવામાં આવે છે. ટોરેન્ટના યુએન ફાઉન્ડેશન દ્વારા આ અમૂલ્ય વારસાની જાળવણીની જવાબદારી સ્વીકારવામાં આવી છે, જે અંગે વાત કરતા સુધીર મહેતાએ ઉમેર્યું હતું કે કોઈપણ મોટું કાર્ય એકલા હાથે પૂર્ણ કરવું અશક્ય છે. તેમણે આ સંગ્રહાલયના નિર્માણ અને જાળવણીમાં યોગદાન આપનાર વાસ્તુકાર સહિતના તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

Live updates : PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું મંગલ લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા ખાતે નિર્મિત અત્યાધુનિક ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું વિધિવત લોકાર્પણ કરી જૈન ધર્મના સમૃદ્ધ અને ગૌરવશાળી ઈતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અવસરે વડાપ્રધાને મ્યુઝિયમની મુલાકાત લઈ જૈન ધર્મના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ખૂબ જ રસપૂર્વક નિહાળ્યો હતો, જ્યાં તેમને પ્રાચીન હસ્તપ્રતો, શિલ્પકલા અને જૈન સંસ્કૃતિના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર મ્યુઝિયમના ઉદ્ઘાટન પૂરતો સીમિત ન રહેતા, ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક એટલે કે મહાવીર જયંતીના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા અદભૂત મહોત્સવ સાથે જોડાઈને એક વિશેષ ભક્તિમય વાતાવરણનું સર્જન કરી ગયો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ અને સંતો-મહંતોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને આધ્યાત્મિક રંગે રંગી દીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક જ મહિનાના ટૂંકા ગાળામાં બીજીવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના કોબા ખાતે જવા રવાના થયા હતા, જ્યાં મહાવીર જયંતીના પવિત્ર અવસરે તેઓ જૈન સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખતા ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરીને આધ્યાત્મિક શક્તિનો પરચો આપશે. આ મુલાકાત માત્ર સાંસ્કૃતિક જ નહીં પરંતુ આર્થિક અને ઔદ્યોગિક દૃષ્ટિએ પણ ગુજરાત માટે ગેમ-ચેન્જર સાબિત થવાની છે, કારણ કે પીએમ મોદીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 19,806.9 કરોડ રૂપિયાના માતબર રકમના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.

આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં લેવાયેલું મક્કમ ડગલું છે. સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાની સાથે જ ગુજરાતમાં એક જ મહિનામાં આ બીજો પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા એટલી વિશાળ છે કે અહીં દરરોજ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. જો માઇક્રોન અને કેઇન્સ બંનેના ઉત્પાદનને જોડવામાં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં રોજની 70 લાખ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સ બનતી થઈ જશે, જે ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મંજૂર થયેલા ચાર પ્લાન્ટ પૈકી હવે સીજી પાવર અને ટાટા-PSMC ના પ્લાન્ટ કાર્યરત થવાની રાહ જોવાઈ રહી છે, જે સાણંદ અને ધોલેરાના આર્થિક ચિત્રને સંપૂર્ણપણે બદલી નાખશે.

ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે પરિવહન ક્ષેત્રે પણ આજે ગુજરાતને એક આધુનિક ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન મોદી 5,100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 109 કિમી લાંબા ‘અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’ (NE-8)નું લોકાર્પણ કરશે. આ હાઈવે કાર્યરત થવાથી અમદાવાદ અને ધોલેરા વચ્ચેનું અંતર કાપવામાં હવે માત્ર 45 મિનિટ જેટલો જ સમય લાગશે, જ્યારે ભાવનગરનું અંતર પણ ઘટીને માત્ર 1 કલાક અને 45 મિનિટનું થઈ જશે. આ એક્સપ્રેસ-વે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે અને વેપાર-ઉદ્યોગને નવી ગતિ આપશે. ત્યારબાદ પીએમ મોદી વાવ-થરાદ ખાતેથી પણ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને ઉત્તર ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.