PM મોદી 31 માર્ચે ગુજરાતમાં....કોબા તીર્થમાં મ્યુઝિયમનું લોકાર્પણ અને ડીસામાં ગજવશે જાહેરસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, સાણંદ અને ડીસામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યને અનેક મહત્વની ભેટ આપશે. પીએમ મોદીના આગમનને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદી સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે. અહીં તેઓ જૈન સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતા અત્યાધુનિક 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરશે.
આ મ્યુઝિયમ આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને જાળવવા માટે મહત્વનું કેન્દ્ર બની રહેશે, ગાંધીનગર બાદ વડાપ્રધાન સાણંદની મુલાકાત લેશે, જ્યાં તેઓ હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહત્વના એવા Kaynes Semicon પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ આ પ્લાન્ટ ગુજરાતને વૈશ્વિક સેમીકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ સાબિત થશે, જેનાથી હજારો રોજગારીની તકો ઊભી થશે.પ્રવાસના ઉત્તરાર્ધમાં પીએમ મોદી બનાસકાંઠાના ડીસા પહોંચશે. અહીં તેઓ એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે.
આ કાર્યક્રમ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત અને ખાતમુહૂર્ત પણ કરી શકે છે. બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો માટે આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદથી લઈને ડીસા સુધીના તમામ કાર્યક્રમ સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમોની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે.