પીએમ મોદીની ગુજરાત મુલાકાત: કોબામાં ઐતિહાસિક સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન, 19,800 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધીનગરના કોબા ખાતે ઐતિહાસિક સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને નવરચિત વાવ-થરાદ જિલ્લામાં 19,800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રાજ્યને મોટી ભેટ આપશે.
કોબામાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ અને અહિંસાનો સંદેશ
અમદાવાદ વિમાનમથક પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત બાદ, પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પહોંચ્યા હતા. અહીં તેમણે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંગ્રહાલયને ભારતના ગૌરવશાળી ભૂતકાળનો વારસો ગણાવતા તેમણે કહ્યું હતું કે, એક તરફ કેટલાક શાસકોએ હિંસાને હથિયાર બનાવીને શાસન કર્યું. તેવામાં સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસાનું વિસ્તરણ કર્યું હતું. તેમણે સત્ય, ચોરી ન કરવી અને અપરિગ્રહનો પ્રચાર-પ્રસાર કર્યો. વિશ્વની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ ઉમેર્યું હતું કે આ સંગ્રહાલયનો અહિંસાનો સંદેશ સમગ્ર માનવતા માટે અત્યંત મહત્વનો છે.
સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને વાવ-થરાદને કરોડોની ભેટ
કોબાના સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ, પ્રધાનમંત્રી સાણંદ ખાતે કેન્સ સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ 19,800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોમાં ભારત સરકારના ઉર્જા, માર્ગ-પરિવહન, રાજમાર્ગ અને રેલવે મંત્રાલયના 10,900 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળના 5,200 કરોડ રૂપિયાથી વધુના પ્રકલ્પોની ભેટ પણ એનાયત કરવામાં આવશે.
38,949 આવાસોમાં ગૃહપ્રવેશ અને આસામ જવા રવાના
પ્રધાનમંત્રી આ પ્રવાસ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આવાસની સુવિધા પણ પૂરી પાડશે. પીએમ મોદી 'પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ' અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓમાં નિર્માણ પામેલા 38,949 આવાસોમાં લાભાર્થી નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે. સાંજે વાવ-થરાદના નાણી ગામમાં આ તમામ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન કર્યા બાદ, પ્રધાનમંત્રી ડીસા વિમાનમથકથી સીધા આસામ જવા રવાના થશે.
પ્રધાનમંત્રીની આ મુલાકાત અને હજારો કરોડના માળખાગત પ્રોજેક્ટ્સથી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને અને સરહદી વિસ્તારોની કનેક્ટિવિટીને નવી ગતિ મળશે.