"ભારતીયોની સલામતી એ સરકારની પ્રાથમિકતા છે," જાણો, PM મોદીએ પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે લોકસભામાં શું કહ્યું ?
પશ્ચિમ એશિયાના રણમેદાનમાં સતત વકરી રહેલા તણાવ અને તેના કારણે સર્જાયેલા વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાના પટલ પરથી દેશ અને દુનિયા સમક્ષ ભારતનો મક્કમ પક્ષ રજૂ કર્યો છે. વડાપ્રધાને અત્યંત ગંભીર સૂર સાથે જણાવ્યું કે પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ માત્ર ચિંતાજનક નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને સામાન્ય માનવીના જીવન સ્તર પર પ્રતિકૂળ અસરો પાડી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સંકટની આ ઘડીમાં દુનિયાના તમામ દેશો આ યુદ્ધના શાંતિપૂર્ણ અને ઝડપી ઉકેલ માટે આગ્રહ કરી રહ્યા છે, કારણ કે ભારત સામે પણ આ સંઘર્ષે આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા અને માનવીય એમ ત્રણેય સ્તરે અભૂતપૂર્વ પડકારો ઉભા કરી દીધા છે. ભારત માટે આ વિસ્તાર વ્યાપારી દ્રષ્ટિએ કરોડરજ્જુ સમાન છે, કારણ કે આપણા કાચા તેલ અને ગેસની જરૂરિયાતોનો મોટો હિસ્સો આ ક્ષેત્રમાંથી જ પૂરો થાય છે, જે હવે યુદ્ધની આગમાં લપેટાયેલો છે.
વડાપ્રધાન મોદીએ સંસદમાં ખાસ ઉલ્લેખ કર્યો કે પશ્ચિમ એશિયા સાથે ભારતના સંબંધો માત્ર તેલ કે વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ ત્યાં વસતા લગભગ એક કરોડ ભારતીયોની સુરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખાડી દેશોમાં કામ કરતા લાખો ભારતીયો અને દરિયાઈ માર્ગે ચાલતા વ્યાપારી જહાજોમાં ફરજ બજાવતા અસંખ્ય ભારતીય ક્રૂ મેમ્બર્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા PMએ જણાવ્યું કે, ભારતની સંસદમાંથી આ સંકટ મુદ્દે એકસૂરે અને એકજૂથ અવાજ વિશ્વમાં જાય તે સમયની માંગ છે. યુદ્ધની શરૂઆતથી જ ભારત સરકાર સક્રિય હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, તેમણે પોતે પશ્ચિમ એશિયાના મોટાભાગના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બે રાઉન્ડ ટેલિફોનિક ચર્ચાઓ કરી છે, જેમાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષા માટે ખાતરી આપી છે. કમનસીબે આ સંઘર્ષમાં જે ભારતીયોએ જીવ ગુમાવ્યા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે, તેમના પરિવારોને સરકાર દ્વારા તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી અંગે માહિતી આપતા વડાપ્રધાને ગર્વ સાથે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3 લાખ 75 હજારથી વધુ ભારતીયોને સલામત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. જેમાં ઈરાનથી પરત ફરેલા 1000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 700 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા PMએ કહ્યું કે ખાડી દેશોમાં અભ્યાસ કરતા હજારો ભારતીય બાળકોના શિક્ષણમાં અવરોધ ન આવે તે માટે CBSEએ 10મી અને 12મીની પરીક્ષાઓ સ્થગિત કરીને વૈકલ્પિક વ્યવસ્થા અને અવિરત અભ્યાસ માટે તાત્કાલિક પગલાં ભર્યા છે. વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓ હોય કે કામદારો, દરેક માટે 24x7 ઈમરજન્સી કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન કાર્યરત છે, જેથી કોઈપણ ભારતીય પોતાની જાતને અસહાય ન અનુભવે. આમ, PM મોદીએ સ્પષ્ટ કરી દીધું કે દુનિયાના કોઈપણ ખૂણે સંકટ હોય, ભારતીયોની સુરક્ષા એ ભારત સરકાર માટે સંકલ્પ સમાન છે.