ભાષણ મોટું પણ વિઝન જૂનું.... લોકસભામાં પીએમના વક્તવ્ય બાદ પ્રિયંકા ગાંધીનું તીખું નિવેદન
ભારતની જરૂરિયાતનું 60% LPG અને મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ જ્યાંથી આવે છે તે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ ભારતને સ્વીકાર્ય નથી, તેવું સ્પષ્ટ નિવેદન પીએમ મોદીએ આજે સંસદમાં આપ્યું હતું. પીએમએ દેશવાસીઓને સપ્લાય બાબતે ખાતરી આપી હતી, પરંતુ બીજી તરફ વિપક્ષી નેતા પ્રિયંકા ગાંધીએ આ નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે આમાં કંઈ નવું નથી. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર માત્ર માહિતી આપી રહી છે, પરંતુ વિપક્ષના મંતવ્યો સાંભળવા તૈયાર નથી.
મિડલ ઈસ્ટમાં વધતા જતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ભારતની ઉર્જા સુરક્ષા અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ વ્યૂહાત્મક જળમાર્ગમાં કોઈપણ પ્રકારનો અવરોધ ભારત માટે અસ્વીકાર્ય છે. જોકે, વિપક્ષી નેતા પ્રિયંકા ગાંધીએ આ નિવેદન પર સવાલો ઉઠાવતા કહ્યું કે વડાપ્રધાને કંઈ નવું નથી કહ્યું અને આ મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.
વડાપ્રધાને ગૃહને સંબોધતા કહ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે અત્યંત મહત્વનો માર્ગ છે, કારણ કે દેશની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આ માર્ગેથી આવે છે. તેમણે ખાતરી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં અવરોધ ઊભો કરવો ભારતને મંજૂર નથી, રાજદ્વારી પ્રયાસો દ્વારા ત્યાં ફસાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત બહાર કઢાવ્યા છે. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સપ્લાય ખોરવાય નહીં તે માટે સરકાર સતત કાર્યરત છે.
ભારત 60% LPG આયાત કરે છે, તેથી ઘરેલુ ગ્રાહકોની સુરક્ષા માટે સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે.વડાપ્રધાનના સંબોધન બાદ સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. દેશને માત્ર ઉપરછલ્લી જાણકારી આપવામાં આવી છે.' તેમણે માંગ કરી હતી કે, આ ગંભીર આંતરરાષ્ટ્રીય મુદ્દા પર તમામ પક્ષોના મંતવ્યો લેવા જોઈએ, સંસદમાં મિડલ ઈસ્ટના સંકટ પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ જેથી સરકાર અને વિપક્ષ બંનેના વિચારો સામે આવે.
દેશની જનતાને વાસ્તવિક સ્થિતિ અને ભવિષ્યના જોખમો વિશે સ્પષ્ટતા મળવી જોઈએ.હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલું સંકટ ભારતની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરી શકે છે. વડાપ્રધાનના નિવેદન અને વિપક્ષની ચર્ચાની માંગ વચ્ચે સંસદમાં આગામી દિવસોમાં મિડલ ઈસ્ટ નીતિ પર વધુ ગરમાવો જોવા મળે તેવી શક્યતા છે.