વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંજુ સેમસનની પીઠ થાબડીને કર્યા વખાણ.....
ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં જલસો મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતના મુખ્ય સૂત્રધાર અને કેરળના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનની વિશેષ પ્રશંસા કરી છે. કેરળના કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ સંજુ સેમસનના પ્રદર્શનને બિરદાવતા કહ્યું કે, દબાણવાળી પરિસ્થિતિમાં જે રીતે સંજુએ રમત બતાવી છે તે એક સાચા ખેલાડીની ઓળખ છે. વડાપ્રધાનની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર સંજુ સેમસન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ખાસ ઉલ્લેખ કર્યો કે જેમ-જેમ ટુર્નામેન્ટ નોકઆઉટ સ્ટેજ તરફ આગળ વધી રહી હતી, તેમ-તેમ સેમસનનું ધ્યાન, આત્મવિશ્વાસ અને ઉર્જામાં સતત વધારો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે ટીમને સૌથી વધુ જરૂર હતી, ત્યારે સંજુએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. પીએમ મોદીએ સંજુના ઉદાહરણ દ્વારા કાર્યકરોને સમજાવ્યું કે મુશ્કેલ સમયમાં કેવી રીતે મક્કમ રહીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. આ ટુર્નામેન્ટમાં સંજુ સેમસનનો દબદબો એવો રહ્યો કે તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો.
સંજુએ માત્ર પાંચ ઇનિંગ્સમાં 80.25 ની સરેરાશ અને લગભગ 200 ના તોફાની સ્ટ્રાઇક રેટથી કુલ 321 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 27 ચોગ્ગા અને 24 ગગનચુંબી છગ્ગા નીકળ્યા હતા, જેણે પ્રતિસ્પર્ધી ટીમોના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. સંજુની આ આક્રમક બેટિંગ જ ભારતની જીતનો પાયો બની હતી. મહત્વની વાત એ છે કે સંજુ સેમસને ટુર્નામેન્ટની સૌથી મોટી અને નિર્ણાયક મેચોમાં પોતાનું કૌશલ્ય સાબિત કર્યું હતું. તેણે છેલ્લી ત્રણ મેચમાં જ 275 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ નોકઆઉટ મેચમાં અણનમ 97 રન, ઈંગ્લેન્ડ સામેની હાઈ-વોલ્ટેજ સેમિફાઇનલમાં 89 રન અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલમાં ફરી એકવાર 89 રનની આક્રમક ઈનિંગ રમીને તેણે ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો, વડાપ્રધાન મોદીએ સંજુ સેમસનની માનસિક મજબૂતીના વખાણ કરતા ઉમેર્યું કે, એક મહાન ખેલાડી એ જ છે જે જરૂરિયાતના સમયે ટીમ માટે ઉભો રહે. સંજુ સેમસન અને ભારતીય ક્રિકેટ માટે સુવર્ણ અક્ષરે લખાશે.
વડાપ્રધાનની આ મુક્તકંઠે કરાયેલી પ્રશંસાએ સાબિત કરી દીધું છે કે મહેનત અને ધીરજ ક્યારેય નિષ્ફળ જતી નથી. હાલમાં આખું કેરળ અને ભારત દેશ સંજુ સેમસનની આ સફળતાની ઉજવણી કરી રહ્યા છે, અને આગામી સમયમાં સંજુ ભારતીય ટીમ માટે વધુ સિદ્ધિઓ હાંસલ કરશે તેવી આશા સેવવામાં આવી રહી છે.