બંગાળમાં મારી રેલીઓમાં જેવી ભીડ અને જનતાનો ઉત્સાહ જોવા મળ્યો છે, તેવો મારા વતન ગુજરાતમાં પણ ક્યારેય જોવા મળ્યો નથી: પીએમ મોદી

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લામાં આયોજિત એક વિશાળ પ્રચાર રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની જનતાના ઉત્સાહના ખુલ્લા મને વખાણ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે બંગાળની રેલીઓમાં જનતાનો જે ઉત્સાહ અને ભીડ જોવા મળી રહી છે, તેવો તેમના વતન ગુજરાતમાં પણ ક્યારેય જોવા મળ્યો નથી. આ સાથે જ તેમણે ભાજપ સત્તા પર આવતા જ ભ્રષ્ટાચાર પર શ્વેતપત્ર લાવવા અને આયુષ્માન ભારત યોજના લાગુ કરવાના મોટા વચનો આપ્યા હતા.
બપોરે 12 વાગ્યાની પ્રચંડ ભીડ 4 મેનું ટ્રેલર છે
પૂર્વ બર્ધમાનની સભામાં જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ, જો હું ઈચ્છું તો બપોરે 12 વાગ્યાના આ સમયે આવી વિશાળ રેલીનું આયોજન કરી શક્યો ન હોત. તમે અહીં દર વખતે અદ્ભુત સભાઓ કરો છો. અહીંથી એ નિશ્ચિત છે કે 4 મે પછી આ રાજ્યમાં પરિવર્તન આવી રહ્યું છે. આવી ઉત્સાહી સભાઓ એ 4 મેના રોજ જે થવાનું છે તેનું ટ્રેલર છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં નિર્ણાયક વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.
TMC ના 15 વર્ષના શાસન પર લાવવામાં આવશે શ્વેતપત્ર
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનનો દાવો કરતા વડાપ્રધાને જાહેરાત કરી હતી કે જો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર રચાશે, તો તૃણમૂલ કોંગ્રેસના છેલ્લા 15 વર્ષના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના કિસ્સાઓની વિગતો આપતું એક 'વ્હાઇટ પેપર' (શ્વેતપત્ર) બહાર પાડવામાં આવશે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, TMC પહેલેથી જ ગભરાટમાં છે અને પ્રચાર કરી રહી છે કે ભાજપ સત્તા પર આવશે તો કલ્યાણકારી યોજનાઓ બંધ કરી દેવાશે. હું ગેરંટી આપું છું કે એક પણ કલ્યાણકારી યોજના બંધ કરવામાં આવશે નહીં. માત્ર TMC ના નેતાઓના ભ્રષ્ટાચાર અને લૂંટની દુકાનો બંધ થશે."
પ્રથમ કેબિનેટમાં જ આયુષ્માન ભારત યોજનાને મળશે લીલી ઝંડી
રાજ્યના આરોગ્ય ક્ષેત્ર અંગે વાત કરતા પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી હતી કે, ભાજપ સત્તા પર આવતાની સાથે જ નવા મુખ્યમંત્રીની આગેવાનીમાં મળનારી પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં 'આયુષ્માન ભારત યોજના' લાગુ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. તેમણે વર્તમાન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, "અહીંની TMC સરકારે આ યોજનાના અમલીકરણની મંજૂરી ન આપીને લાંબા સમય સુધી લોકોને વંચિત રાખ્યા છે. પરંતુ એકવાર અહીં ભાજપ સરકાર આવશે એટલે તે દિવસો પૂરા થઈ જશે."
ઘૂસણખોરો અને તેમને મદદ કરનારાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત
રેલીના અંતિમ ચરણમાં વડાપ્રધાને ઘૂસણખોરીના મુદ્દે આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નવી ભાજપ સરકાર માત્ર ગેરકાયદેસર ઘૂસણખોરો સામે જ કાર્યવાહી નહીં કરે, પરંતુ જે લોકોએ નકલી ઓળખના દસ્તાવેજો બનાવીને તેમને પશ્ચિમ બંગાળમાં વસવાટ કરવામાં મદદ કરી છે, તેવા તમામ લોકો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.