સુરત કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક: ગેસ-પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અછતની અફવાઓ પર વિરામ
સુરત શહેરમાં ગેસ અને ઈંધણની અછતની ચર્ચાઓ વચ્ચે ગ્રાહકોને રાહત આપવા માટે GSPCના એમ.ડી.ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ સુરત જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો કોઈપણ વિક્ષેપ વગર નાગરિકો સુધી સરળતાથી પહોંચતો રહે તેની સમીક્ષા કરવાનો હતો. બેઠકમાં GSPCના એમ.ડી.એ સુરતવાસીઓ માટે એક મોટી જાહેરાત કરી હતી. જે મુજબ, આગામી તા. 30 જૂન સુધીમાં જે પણ નવા ગ્રાહકો ડોમેસ્ટિક પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન માટે અરજી કરશે, તેમને ₹500નું ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
આ રકમ ગ્રાહકનું કનેક્શન લાગી ગયા બાદ તેમના ગેસ બિલમાં જમા કરી દેવામાં આવશે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સુરત શહેર અને સમગ્ર રાજ્યમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ફર્ટીલાઇઝરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ પુરવઠો ખોરવાય નહીં તે માટે ઓઈલ અને ગેસ કંપનીઓ સાથે સરકાર સતત સંકલનમાં છે. સુરત શહેરમાં હાલ 15.20 લાખ જેટલા ઘરેલું PNG કનેક્શન કાર્યરત છે, જેમને નિયમિત ગેસ મળી રહ્યો છે. ગેસ વિતરણ વ્યવસ્થામાં રહેઠાણોની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં 39 હોસ્પિટલો અને 16 રેલ્વે કેન્ટીન સહિત કુલ કોમર્શિયલ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોના ભોજન માટે જરૂરિયાત મુજબ ગેસ સિલિન્ડરનો જથ્થો પૂરો પાડવામાં આવશે. આ બેઠકમાં સુરત કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને નિવાસી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ વિભાગોએ સાથે મળીને જિલ્લામાં આવશ્યક ચીજોની સુગમ આપૂર્તિ જળવાઈ રહે તે માટેનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવો ન પડે.