ચૂંટણી પહેલા ભાજપનું ‘ક્લીનઅપ’ ઓપરેશન...૩ ટર્મની મર્યાદા નક્કી, જૂના જોગીઓની જગ્યાએ યુવા લોહીને પ્રાધાન્ય
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે એક મોટો અને આક્રમક રાજકીય દાવ ખેલ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પક્ષે આ વખતે 'નો રિપીટ' થીયરી અને કડક વય મર્યાદાના નિયમો લાગુ કરવાનું મન બનાવ્યું છે. આ નવી માર્ગદર્શિકા મુજબ, સતત ત્રણ ટર્મ સુધી સત્તા ભોગવનાર અથવા 60 વર્ષની વય વટાવી ચૂકેલા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ શકે છે. સત્તા વિરોધી લહેરને ખાળવા અને પક્ષમાં યુવા લોહીને પ્રાધાન્ય આપવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયને કારણે વર્ષોથી જામી પડેલા 'જૂના જોગીઓ'માં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફારો બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. સી.આર. પાટીલ બાદ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા માટે આ પ્રથમ મોટી રાજકીય કસોટી સાબિત થશે. પક્ષે આ વખતે ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક માર્ગદર્શિકા તૈયાર કરી છે, જેનાથી ઘણા જૂના જોગીઓને ઘેર બેસવાનો વારો આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે એન્ટી-ઈન્કમ્બન્સી રોકવા માટે ‘નો-રિપીટ’ ફોર્મ્યુલા લાગુ કરવા મક્કમ છે.
જે નેતાઓ સતત ત્રણ ટર્મ (15 વર્ષ) સુધી ચૂંટણી લડ્યા છે અથવા જીત્યા છે, તેમને આ વખતે આરામ આપવામાં આવશે.આ ઉપરાંત, 60 વર્ષથી વધુ વય ધરાવતા દાવેદારોને પણ ટિકિટ ન આપવાનું પક્ષે મન બનાવ્યું છે. નવા અને યુવા ચહેરાઓને પ્રોત્સાહન આપવા છતાં પક્ષે વફાદારીને સર્વોપરી ગણી છે. જે કાર્યકર પક્ષમાં ઓછામાં ઓછા વર્ષથી સક્રિય સભ્ય તરીકે કાર્યરત હોય, તેને જ ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
સંગઠનમાં પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દા ધરાવતા નેતાઓને કોર્પોરેશનની ટિકિટથી દૂર રાખવામાં આવશે, જેથી સંગઠન અને સત્તા વચ્ચે સંતુલન જળવાય. ભાજપના આ નિર્ણયનો મુખ્ય હેતુ પક્ષના સંનિષ્ઠ અને પાયાના કાર્યકરોને તક આપવાનો છે. આ નવી ગાઈડલાઈનથી વર્ષોથી જામી પડેલા કાઉન્સિલરો અને નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂના જોગીઓના પત્તા કાપીને ભાજપ મહાનગરપાલિકાઓ અને પંચાયતોમાં નવી પેઢીના નેતાઓને તૈયાર કરવા માંગે છે.