ભારે પડી હતી પ્રભુ દેવાની દીવાનગી: નયનતારાએ કરિયર અને ધર્મ બંને દાવ પર લગાવ્યા, છતાં કેમ ન થઈ શક્યા લગ્ન?
ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ કોરિયોગ્રાફર, અભિનેતા અને નિર્દેશક પ્રભુદેવા આજે 3 એપ્રિલના રોજ તેમનો 53મો જન્મદિવસ મનાવી રહ્યા છે. પોતાની અનોખી ડાન્સિંગ સ્ટાઈલથી લાખો દિલો પર રાજ કરનારા પ્રભુદેવાની પ્રોફેશનલ લાઈફ જેટલી સફળ રહી છે, તેટલી જ તેમની પર્સનલ લાઈફ વિવાદો અને ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. જન્મદિવસના આ ખાસ અવસરે સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, ત્યારે તેમની જીંદગીના કેટલાક એવા કિસ્સાઓ પણ ચર્ચામાં આવ્યા છે જેણે એક સમયે આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો.
પ્રભુદેવાની અંગત જીંદગીમાં મુસીબતોની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. તેમણે 1995માં રામલતા સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ દીકરા હતા. પરંતુ 2008માં કેન્સરના કારણે તેમના એક દીકરાનું નિધન થતા પ્રભુદેવા ભાંગી પડ્યા હતા. આ આઘાતજનક ઘટના બાદ તેમના અને પત્ની રામલતાના સંબંધોમાં તિરાડ પડવાની શરૂઆત થઈ હતી. આ જ ગાળા દરમિયાન પ્રભુદેવા અને સાઉથની સુપરસ્ટાર નયનતારા વચ્ચે ફિલ્મ 'વિલ્લુ' ના શૂટિંગ દરમિયાન નિકટતા વધી હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
નયનતારા અને પ્રભુદેવાનો પ્રેમ એટલો ગાઢ હતો કે ખ્રિસ્તી ધર્મ પાળતી નયનતારાએ પ્રભુદેવા સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલીને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. પ્રભુદેવાએ પોતે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેઓ નયનતારા સાથે રિલેશનશિપમાં છે. જોકે, આ સંબંધોને કારણે પ્રભુદેવાના પ્રથમ લગ્નજીવનમાં ભારે વંટોળ આવ્યો હતો. તેમની પત્ની રામલતાએ પ્રભુદેવા પર એક્સ્ટ્રા મેરિટલ અફેરના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને અંતે વર્ષ 2011માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા.
રામલતા સાથેના તલાક બાદ એવું માનવામાં આવતું હતું કે પ્રભુદેવા અને નયનતારા ટૂંક સમયમાં લગ્ન કરશે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નની અણી પર પહોંચેલા આ કપલ વચ્ચેના સંબંધોમાં અચાનક ખટાશ આવવા લાગી હતી. પરિણામે, વર્ષ 2012માં નયનતારા અને પ્રભુદેવા હંમેશા માટે અલગ થઈ ગયા હતા. નયનતારા માટે આ બ્રેકઅપ ખૂબ જ પીડાદાયક હતું, કારણ કે તેણે આ પ્રેમ માટે પોતાનું કરિયર અને ધર્મ પણ દાવ પર લગાવ્યા હતા.
નયનતારાથી અલગ થયાના ઘણા વર્ષો બાદ, પ્રભુદેવાએ ફરી એકવાર પોતાની જીંદગીની નવી શરૂઆત કરી હતી. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન તેમણે ફિઝિયોથેરાપિસ્ટ ડો. હિમાની સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે, પ્રભુદેવા 50 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બન્યા હતા. હાલમાં તેમને ડો. હિમાનીથી એક દીકરી છે, જેની સાથે તેઓ સુખી જીવન વિતાવી રહ્યા છે.