આજની પેઢી વિચારી પણ નહીં શકે! ટેકનોલોજી વગર દારા સિંહે હનુમાન બનવા શું શું કર્યું? જાણો રામાયણના સેટ પરના એ અજાણ્યા કિસ્સા
ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલી સિરિયલ 'રામાયણ' આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. આ પૌરાણિક કથામાં ભગવાન હનુમાનનું અમર પાત્ર ભજવનાર દારા સિંહના સમર્પણ વિશે રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આધુનિક ટેકનોલોજી અને પ્રોસ્થેટિક્સના અભાવમાં પણ દારા સિંહે જે રીતે આ પાત્રને વાસ્તવિક બનાવ્યું તે ખરેખર વંદનીય છે. પ્રેમ સાગરે જણાવ્યું હતું કે તે સમયે આજની જેમ અદ્યતન મેકઅપ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. દારા સિંહના ચહેરા પર હનુમાનજીનો લુક આપવા માટે એક ખાસ પ્રકારનો 'મોલ્ડ' લગાવવામાં આવતો હતો, જેને તૈયાર કરવામાં 3 થી 4 કલાકનો સમય લાગતો હતો.
આ મેકઅપ એટલો કઠિન હતો કે એકવાર ચહેરા પર સેટ થયા પછી દારા સિંહ પોતાનું મોં પણ હલાવી શકતા નહોતા. દારા સિંહની અસલી પરીક્ષા મેકઅપ થયા પછી શરૂ થતી હતી. મેકઅપની મર્યાદાને કારણે તેઓ શૂટિંગ દરમિયાન 8 થી 9 કલાક સુધી કંઈ પણ ખાઈ કે પી શકતા નહોતા. અનાજનો એક દાણો પણ મોંમાં નાખ્યા વિના તેઓ કલાકો સુધી શૂટિંગ કરતા હતા. નવાઈની વાત એ છે કે આટલી કલાકો સુધી ભૂખ્યા હોવા છતાં તેમના ચહેરા પર હનુમાનજી જેવું જ તેજ જળવાઈ રહેતું હતું.
માત્ર મેકઅપ જ નહીં, પણ હનુમાનજીની પૂંછડી પણ એક મોટો પડકાર હતી,પૂંછડીના કારણે દારા સિંહ ખુરશી કે સોફા પર સામાન્ય રીતે બેસી શકતા નહોતા. આ સમસ્યાના ઉકેલ માટે પ્રોડક્શન ટીમ દ્વારા સેટ પર એક સ્પેશિયલ સ્ટૂલ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સ્ટૂલની વચ્ચે એક કટ રાખવામાં આવ્યો હતો, જેથી પૂંછડી સુરક્ષિત રીતે પાછળથી બહાર નીકળી શકે અને દારા સિંહ આરામથી બેસી શકે, આજની હાઇ-ટેક પેઢી માટે આ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે કેવી રીતે દારા સિંહે કોઈપણ આધુનિક સુવિધા વગર પોતાની શ્રદ્ધા અને મહેનતથી હનુમાનજીના પાત્રને ઘરે-ઘરે પૂજનીય બનાવ્યું હતું.