હોર્મુઝ સ્ટ્રેટમાં છાપા મારવાની તૈયારી, ખાર્ગ આઇલેન્ડ પર કબજો: અમેરિકી સેના ઈરાનમાં જમીની હુમલાની કેવી રીતે કરી રહી છે તૈયારી, જાણો પ્લાન
મધ્ય પૂર્વમાં એક મહિનાથી વધુ ચાલતા યુદ્ધ પછી અમેરિકા હવે ઈરાનમાં જમીની સૈન્ય કાર્યવાહીની વ્યાપક તૈયારી કરી રહ્યું છે. વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટ અનુસાર, પેન્ટાગોન એવા ગ્રાઉન્ડ ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે જે કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ તૈયારી એવા સમયે સામે આવી છે જ્યારે સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, 3500થી વધુ મરીન્સ અને નૌસૈનિકોની વિશેષ ટુકડી મધ્ય પૂર્વ પહોંચી ચૂકી છે.
અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈરાન પર હુમલો શરૂ કર્યો હતો, જેના પછી આ સંઘર્ષ સમગ્ર મિડલ ઈસ્ટમાં ફેલાઈ ગયો છે. ઈરાને અમેરિકી ઠેકાણાઓ અને ખાડી દેશોના અમેરિકી સહયોગીઓ પર ડ્રોન તેમજ મિસાઈલ હુમલા કર્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ટ્રમ્પ પર દબાણ
ઈરાનના હુમલાઓને કારણે વિશ્વના સૌથી મહત્વના સમુદ્રી ઊર્જા માર્ગ હોર્મુઝ જળસંધિ અસરકારક રીતે બંધ થઈ ગયો છે. શિપિંગ ડેટા અનુસાર, યુદ્ધ શરૂ થયા પછી હોર્મુઝમાંથી 90 ટકા વાહન વ્યવહાર ઘટી ગયો છે. આ જળસંધિમાંથી વિશ્વના લગભગ 20 ટકા તેલનું પરિવહન થાય છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર અસરગ્રસ્ત થયું છે અને તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
આ પરિસ્થિતિએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ભારે દબાણ વધાર્યું છે. હવાઈ હુમલાઓથી ઈરાનને ઝુકાવવામાં નિષ્ફળતા પછી અમેરિકા હવે જમીની ઓપરેશન તરફ વળ્યું છે.
જમીની ઓપરેશનનો સંભવિત પ્લાન
વોશિંગ્ટન પોસ્ટની રિપોર્ટમાં અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે આ ઓપરેશન પૂર્ણ સ્કેલ આક્રમણના બદલે વિશેષ લક્ષ્યો પર રેઈડ હશે. તેમાં સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સ અને નિયમિત ઇન્ફેન્ટ્રી બંનેનો સમાવેશ થશે.
સૂત્રો અનુસાર, સંભવિત યોજનામાં નીચેના મુદ્દા સામેલ છે:
- ખર્ગ આઇલેન્ડ પર કબજો કરવો (ઈરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર, જે દેશના 90 ટકા ક્રુડ ઓઈલ નિકાસનું કેન્દ્ર છે)
- હોર્મુઝ જળસંધિની નજીકના અન્ય તટીય વિસ્તારોમાં છાપા મારવા
- વેપારી અને સૈન્ય જહાજોને નિશાન બનાવી શકે એવા હથિયારો અને મિસાઈલ સિસ્ટમોને નષ્ટ કરવા
જો ટ્રમ્પ આ યોજનાઓને મંજૂરી આપે તો લક્ષ્ય હાંસલ કરવામાં કેટલાક અઠવાડિયા અથવા કેટલાક મહિના લાગી શકે છે.
ઈરાનની અમેરિકી સૈનિકોને ચેતવણી
ઈરાને અમેરિકી જમીની કાર્યવાહી સામે સખત ચેતવણી આપી છે. ઈરાનના અંગ્રેજી અખબાર તેહરાન ટાઈમ્સએ શનિવારે પ્રથમ પાને "વેલકમ ટુ હેલ" (નર્કમાં આપનું સ્વાગત છે) શીર્ષકથી લેખ પ્રકાશિત કર્યો છે. તેમાં ધમકી આપવામાં આવી છે કે જો અમેરિકી સૈનિકો ઈરાની જમીન પર ઉતરશે તો તેઓ તાબૂતમાં જ પાછા જશે. આ વિકાસ યુદ્ધને નવા તબક્કામાં લઈ જઈ શકે છે, જેમાં અમેરિકી સૈનિકોને ડ્રોન, મિસાઈલ અને જમીની જોખમોનો સામનો કરવો પડી શકે છે.