વડોદરાના કુબેર ભવન અને માંડવી વિસ્તારમાં દબાણ દુર કરાયા; ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત
શહેરી વિસ્તારોમાં ફૂટપાથ અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે જમાવવામાં આવતા દબાણો માત્ર ટ્રાફિક વ્યવસ્થાને ખોરવે છે એવું નથી, પરંતુ તે નાગરિકોની સલામતી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે કરવામાં આવતી કામગીરી છતાં, સહેજ ઢીલ મળતા જ ફરી ઉભા થતા આ દબાણો શહેરના આયોજન માટે એક પડકાર સમાન બની રહ્યા છે.
વડોદરા શહેરના વોર્ડ નં. 13 માં આવેલા વ્યસ્ત કુબેર ભવન વિસ્તારમાં વર્ષોથી જામી ગયેલા ગેરકાયદે દબાણો પર આજે પાલિકાની દબાણ શાખાની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. લાંબા સમયથી આ વિસ્તારમાં ખાણી-પીણી, ચા અને લસ્સીની લારીઓ રસ્તા પર અડીંગો જમાવીને ઉભી રહેતી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
ટ્રાફિક અને તકરારનું કેન્દ્ર
કુબેર ભવન પાસેની દીવાલની સામેના ભાગે લારીઓનો રાફડો ફાટ્યો હોવાથી ગ્રાહકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા હતા. આ અવ્યવસ્થાને લીધે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને ઘણીવાર વાહનચાલકો તથા લારી ધારકો વચ્ચે સામાન્ય તકરાર પણ થતી હતી. સ્થાનિકોની રજૂઆત અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને આજે પાલિકાની ટીમે અચાનક ત્રાટકીને તમામ કાચા-પાકા દબાણો દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન બે ટ્રક જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
માંડવીથી પાણીગેટ સુધી સપાટો
કુબેર ભવન ઉપરાંત, શહેરના ઐતિહાસિક માંડવી વિસ્તારથી પાણીગેટ સુધીના માર્ગ પર પણ પાલિકાએ સપાટો બોલાવ્યો હતો. આ મુખ્ય માર્ગ પર નડતરરૂપ હંગામી દબાણો હટાવીને વધુ એક ટ્રક જેટલો સામાન કબજે લેવામાં આવ્યો હતો. કોર્પોરેશનની આ આક્રમક કામગીરીથી ગેરકાયદે લારી-ગલ્લા ચલાવતા તત્વોમાં ફાળ પડી ગઈ છે.