‘અમારા જગન્નાથ અમને છોડી ગયા’, અસામાજિક તત્વોના ત્રાસથી પૂજારી મૂર્તિઓ લઈને વૃંદાવન રવાના! CCTVમાં કેદ થઈ પૂજારીની વેદના...
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં આવેલા ખિલચીપુરના ભગવાન જગન્નાથ મંદિરમાં શુક્રવારની સવાર શ્રદ્ધાળુઓ માટે આઘાતજનક રહી હતી. દરરોજની જેમ જ્યારે ભક્તો પૂજા કરવા પહોંચ્યા ત્યારે ગર્ભગૃહમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ ગાયબ જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. વર્ષોથી જે આસ્થાનું કેન્દ્ર હતું તે મંદિર એકાએક વેરાન થઈ જતાં શ્રદ્ધાળુઓ પોતાની જાતને રોકી શક્યા નહીં અને મંદિર પરિસરમાં જ રડી પડ્યા હતા. ડો. એસ. પ્રસાદ નામના શ્રદ્ધાળુએ ડસકાં ભરતા કહ્યું કે, "અમારા ભગવાન અમને છોડીને ચાલ્યા ગયા છે." આ ઘટના વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસે જ્યારે CCTV ફૂટેજની તપાસ કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફૂટેજમાં દેખાયું કે મોડી રાત્રે મંદિરના પૂજારી વિષ્ણુદાસ સખા પોતે જ મૂર્તિઓ પાસે પહોંચ્યા હતા. તેમણે વિધિવત રીતે ભગવાનને પ્રણામ કર્યા, આચમન અને મંત્રોચ્ચાર કર્યા અને ત્યારબાદ મૂર્તિઓને કપડામાં લપેટીને બારી વાટે બહાર કાઢી પોતાની કારમાં મૂકી ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ કોઈ ચોરીનો કિસ્સો નહોતો, પરંતુ એક પૂજારીની લાચારી અને વ્યવસ્થા સામેનો આક્રોશ હતો. પૂજારીએ ત્યારબાદ ચાલતી કારમાં એક વીડિયો જાહેર કરીને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેમને છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તેમને ગાળો ભાંડી, મારપીટ કરી અને મંદિર છોડી દેવાની ધમકીઓ અપાતી હતી, જેના કારણે તેઓ ભગવાનને સુરક્ષિત રાખવા માટે પોતાની સાથે વૃંદાવન લઈ ગયા છે.
આ સમગ્ર વિવાદના મૂળમાં મંદિરની આસપાસ જમાવડો કરતા નશાખોરો અને અસામાજિક તત્વો હોવાનું સામે આવ્યું છે. પૂજારી અને શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર, મંદિર પાસે સરકારી જમીન પર કેટલાક લોકો અડ્ડો જમાવીને ગાંજો પીતા હતા અને મંદિરની જમીન પચાવી પાડવાના ઈરાદે પૂજારીને સતત ધમકાવતા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઇરલ થયો છે જેમાં ભંવરલાલ નામનો શખ્સ પૂજારીને જાહેરમાં ગાળો આપતા અને ધમકાવતા કહી રહ્યો છે કે તેઓ અહીં ગાંજો વેચશે અને કોઈ તેમનું કંઈ બગાડી શકશે નહીં. પૂજારીએ પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકીય વગ ધરાવતા લોકોએ પોલીસને કાર્યવાહી કરતા અટકાવી દીધી હોવાનો પણ ગંભીર આરોપ છે.
ભગવાનના આ પ્રકારે વિદાય લેવાથી મંદિરના 75 વર્ષીય સંત બાલયોગી સોહનદાસ મહારાજ અત્યંત આઘાતમાં સરી પડ્યા છે. તેમણે ભગવાન પ્રત્યેની ભક્તિમાં છેલ્લા 18 કલાકથી અન્નનો ત્યાગ કર્યો છે અને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી મૂર્તિઓ ફરી મંદિરમાં સ્થાપિત નહીં થાય ત્યાં સુધી તેઓ ભોજન ગ્રહણ કરશે નહીં. 20 વર્ષની ઉંમરે સંસાર ત્યાગીને સાધનામાં લાગેલા આ સંત માટે ભગવાનના વિયોગનું આ દુઃખ અસહ્ય બની ગયું છે. બીજી તરફ, મામલો વધુ વણસે તે પહેલા ખિલચીપુર પોલીસની એક ટિમ અને સ્થાનિક અગ્રણીઓ મૂર્તિઓને પરત લાવવા અને પૂજારીને મનાવવા માટે વૃંદાવન રવાના થયા છે. હાલમાં સમગ્ર પંથકમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને ભક્તો જલદી ભગવાન પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.