રાજકોટ-પોરબંદર હાઇવે પર મુસાફર ભરેલી ખાનગી બસ પલટી: 30 લોકો ઈજાગ્રસ્ત
માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત થતો વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે. અતિશય ઝડપ અથવા ચાલકની નાનકડી ભૂલ ક્યારેક નિર્દોષ મુસાફરો માટે જીવનું જોખમ બની જાય છે. રાજકોટ-પોરબંદર હાઇવે પર બનેલી તાજેતરની ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને વાહન ચાલકોની સાવચેતી સામે સવાલો ઉભા કર્યા છે, જેમાં અનેક પરિવારોએ મુસીબતનો સામનો કરવો પડ્યો છે.
ધોરાજી પાસે ટ્રાવેલ્સ બસનો અકસ્માત: 30 મુસાફરો ઇજાગ્રસ્ત
રાજકોટ નજીક ધોરાજી પાસે રાજકોટ-પોરબંદર હાઇવે પર એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ખાઈ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 4 મુસાફરોની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.
ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી આ ખાનગી બસમાં અંદાજે 50 જેટલા મુસાફરો સવાર હતા. પ્રાથમિક અહેવાલ મુજબ, ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.